રાજગોપાલાચારી ચક્રવર્તી


જ. ૧૦ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૫ ડિસેમ્બર, ૧૯૭૨

સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ રાજગોપાલાચારીનો જન્મ થોરાપલ્લી, તમિળનાડુમાં થયો હતો. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર થોરાપલ્લીના મુનસફ હતા. માતાનું નામ સિંગરામ્મા. ‘રાજાજી’ તથા ‘સી.આર.’ના નામથી તેઓ જાણીતા હતા. પ્રારંભિક શિક્ષણ થોરાપલ્લી ગામની શાળામાં અને ત્યારબાદ હોસૂરની સરકારી શાળામાં લીધું. ૧૮૯૪માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાંથી આર્ટ્સ વિષય સાથે સ્નાતક થયા. ત્યાર પછી ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી લૉની ડિગ્રી ૧૮૯૭માં મેળવી. ૧૯૧૧માં તેઓ સેલમ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા અને ૧૯૧૭માં ચૅરમૅન બન્યા અને ૧૯૧૯ સુધી સેવા આપી. ૧૯૧૯માં ગાંધીજી સાથેની મુલાકાતથી પ્રેરાઈને ભારતની સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૨૧-૨૨માં કૉંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટાયા. ત્યારબાદ ઘણાં વર્ષો કૉંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા. ૧૯૩૦માં પ્રોહિબિશન લીગ ઑવ્ ઇન્ડિયાના મંત્રી રહ્યા. તે વર્ષ દરમિયાન જ ચેન્નાઈમાં દાંડીકૂચ જેવી વર્દારણ્યમમાં કૂચ કાઢી. જેથી તેમને ૨૧ મહિનાની જેલ થઈ. ૧૯૩૭માં મદ્રાસ પ્રેસિડન્સીના પ્રીમિયર બન્યા. તે વખતે તેમણે ત્યાં દારૂબંધીની શરૂઆત કરી. ૧૯૩૯માં મદ્રાસ ટેમ્પલ એન્ટ્રી ઍક્ટ પસાર કરી દલિતોને મંદિરપ્રવેશ મળે તે માટે કાયદાનો પાયો નાંખ્યો. ૧૯૪૭-૪૮માં પશ્ચિમ બંગાળના ગવર્નર અને જૂન, ૧૯૪૮થી જાન્યુઆરી, ૧૯૫૦ સુધી સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ નિમાયા. ૧૯૫૨માં તેઓ ચેન્નાઈના મુખ્યમંત્રી નિમાયા અને દક્ષિણ ભારતમાં ફરજિયાત હિંદી ભાષાના શિક્ષણની સ્થાપનામાં મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૯માં સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં પાયાની કામગીરી બજાવી. રાજકારણની જેમ સાહિત્યના ક્ષેત્રે પણ રાજાજીનું પ્રદાન રહ્યું છે. તેઓ અંગ્રેજી અને તમિળ બંને ભાષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ ‘સેલમ લિટરરી સોસાયટીના સ્થાપક હતા. ૧૯૨૨માં તેમણે જેલનિવાસ દરમિયાનનો રોજબરોજનો અહેવાલ ‘Sivaiyi Tavam’ પ્રકાશિત કરેલો. એમના ‘રામકૃષ્ણ ઉપનિષદ’ને મદ્રાસ સરકારનો ઍવૉર્ડ મળેલો. ૧૯૫૧માં એમણે અંગ્રેજીમાં સંક્ષિપ્ત ‘મહાભારત’ અને પછી ૧૯૫૭માં ‘રામાયણ’ લખ્યું. અંગ્રેજી ભાષામાં ભગવદગીતા તથા ઉપનિષદ પણ લખ્યાં. તેમના પુસ્તક ‘ચક્રવર્તી થિરુમગન’ને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૫૪માં તેમને સૌપ્રથમ ‘ભારતરત્ન’ની પદવી મળેલી.

અમલા પરીખ