ઉપેન્દ્રનાથ શર્મા ‘અશ્ક’


જ. ૧૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૯ જાન્યુઆરી, ૧૯૯૬

‘અશ્ક’ના તખલ્લુસથી જાણીતા ઉપેન્દ્રનાથ શર્માનો જન્મ જલંધર પંજાબમાં સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જલંદરની ડી.એ.વી. કૉલેજમાં બી.એ. સુધીનું શિક્ષણ લીધું પછી બે વર્ષ અધ્યાપન કર્યું. પછી ત્રણ વર્ષ સુધી લાલા લજપતરાયના સમાચારપત્ર ‘વંદે માતરમ્’માં પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારપછી અનુવાદક તરીકે બઢતી પામ્યા અને ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી ૧૯૩૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એ જ વર્ષે તેમનાં પત્નીનું અવસાન થવાથી તેઓ આઘાતમાં સરી પડ્યા અને સર્જન પ્રત્યે વળ્યા. એ પછી એમણે આકાશવાણીમાં નોકરી કરી. પરંતુ લેખનકાર્યને જ તેમણે વ્યવસાય તરીકે અપનાવ્યું. તેમણે ફિલ્મીસ્તાન પ્રોડક્શન કંપની માટે પટકથા તથા સંવાદ લખવાનું કાર્ય પણ કર્યું. શરૂઆતમાં તેઓ પંજાબી અને ઉર્દૂ ભાષામાં લેખનકાર્ય કરતા, પરંતુ મુનશી પ્રેમચંદના કહેવાથી તેમણે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું. તેમની ગણના આધુનિક નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકારમાં થાય છે, પણ એમને સવિશેષ પ્રતિષ્ઠા તથા સિદ્ધિ નાટ્યકાર તરીકે મળી છે. ‘છટા બેટા’ (૧૯૪૦), ‘અંજોદીદી’ (૧૯૫૩-૫૪) અને ‘કૈદ’ એ એમની ઉત્તમ નાટ્યકૃતિઓ છે. ચોટદાર સંવાદો તેમનાં નાટકોની વિશિષ્ટતા હતી. એમણે એકાંકી પણ લખ્યાં છે. ‘તૂફાન સે પહલે’, ‘દેવતાઓં કી છાયા મેં’, ‘પર્દા ઉઠાઓ, પર્દા ગિરાઓ’ એ એમના એકાંકીસંગ્રહો છે. એમની નવલકથાઓમાં ‘ગીરતી દીવાર’ (૧૯૪૫), ‘ગર્મ રાખ’ (૧૯૫૨), ‘શહર મેં ઘૂમતા આઈના’ (૧૯૬૩), ‘એક નન્હી કિન્દીલ’નો સમાવેશ થાય છે. એમણે લગભગ બસ્સો જેટલી નવલિકાઓ પણ લખી છે. આ ઉપરાંત નિબંધ, રેખાચિત્ર, સમીક્ષા, સંસ્મરણો વગેરે ક્ષેત્રોમાં પણ એમણે વિપુલ લેખન કર્યું છે. પરિવર્તન પામતી સાહિત્યિક વિભાવનાઓ જોડે તેઓ કદમ મિલાવતા રહ્યા હતા. ૧૯૪૭માં ટીબી થવાથી તેમને બેલ ઍર સેનેટોરિયમ, પંચગનીમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ બે વર્ષ રહ્યા હતા. ત્યારપછી તેઓ અલાહાબાદ સ્થાયી થયા હતા. હિન્દી સાહિત્યમાં યથાર્થવાદી પરંપરાને સમૃદ્ધ કરવાનો યશ ‘અશ્ક’ના ફાળે જાય છે. ૧૯૬૫માં લલિતકલા અકાદમીએ એમને શ્રેષ્ઠ નાટ્યકારનું પારિતોષિક આપીને સન્માન કર્યું હતું.

અમલા પરીખ