વિદ્યુત ઠાકર


જ. ૧૫ ડિસેમ્બર, ૧૯૨૯ અ. ૬ જૂન, ૨૦૨૩

રાજકીય સમીક્ષક અને કાબેલ પત્રકાર વિદ્યુત ઠાકરનો જન્મ ઉમરેઠમાં થયો હતો. ગુજરાતના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષણવાળા લેખનમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. તેમના પિતાનું નામ કૃપાશંકર અને માતાનું નામ તારાબહેન હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠ અને ધરમપુરમાં તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધું હતું. જાહેર જીવનમાં પહેલેથી જ રસ ધરાવતા હતા. કૉલેજમાં વિદ્યાર્થી ચળવળોમાં આગેવાની લઈ હડતાળ પડાવેલી. કારકિર્દીની શરૂઆતમાં બૅન્કની નોકરી કરી, ત્યારબાદ ‘સંદેશ’માં જોડાયા અને પત્રકારત્વક્ષેત્રે કાર્યરત થયા. ૧૯૫૬માં પ્રજાસમાજવાદી પક્ષ સંચાલિત ‘નવગુજરાત’ દૈનિકમાં ઉપસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા. આ આંદોલન દરમિયાન તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેની સાથે જેલવાસ ભોગવ્યો. ૧૯૭૦-૭૧માં ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવ’ કાર્યક્રમ નિમિત્તે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો. બીજે વર્ષે અમદાવાદ શહેર કૉંગ્રેસના મંત્રી બન્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. ૧૯૮૨થી ૧૯૮૯ સુધી રતુભાઈ અદાણીના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ત્યારબાદ શ્રી ચીમનભાઈ પટેલના જનતા દળમાં સક્રિય બન્યા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ‘ગુજરાત લઘુઉદ્યોગ નિગમ’ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. અમદાવાદનાં જાણીતાં દૈનિકો અને સામયિકોમાં તેમણે નિયમિત રાજકીય કટારલેખન કર્યું. તેઓએ બાળપણથી ખૂબ વાંચન કર્યું હોવાથી તેમનાં લખાણો ઉત્તમ કક્ષાનાં બન્યાં. વિશ્વની રાજકીય ગતિવિધિના ઊંડા અભ્યાસી એવા વિદ્યુત ઠાકર ગુજરાતની સ્થાપના સમયથી કાર્યરત પત્રકારોમાંના એક હતા અને તેઓ લગભગ ૫૦ વર્ષ આ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે ચાર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમને ‘રમણભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ