દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા. કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એેને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તોપણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો. આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરે ધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં. અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી. શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. તમારા જેટલો હું સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.’
અધ્યાપકો આશ્ર્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડ માંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદાં કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ રડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી જ્યારે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે આ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.’ પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
પોતે સહન કરેલી વેદના કે પરેશાની, બીજાને સહન કરવી ન પડે, તેની ચિંતા કરે, તે સાચો માનવ. અનુકંપા એ શીખવે છે કે બીજાના આત્મા પર થનારી અસરનો વિચાર કરો. કોઈ લાચાર, મજબૂર કે ગરીબ હોય, તો એની પરિસ્થિતિમાં તમારી જાતને મૂકીને જોતાં શીખો.
કુમારપાળ દેસાઈ