આર્થર સી. ક્લાર્ક


જ. ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭ અ. ૧૯ માર્ચ, ૨૦૦૮

સર આર્થર ચાર્લ્સ ક્લાર્ક એક બ્રિટિશ લેખક, દરિયાઈ જીવનના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ હતા. તેમનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. ખેતરમાં રખડવાની સાથે તેમને આકાશદર્શન, અશ્મિ એકત્ર કરવાનો અને અમેરિકન સાયન્સ ફિક્શન ‘પલ્પ’ મૅગેઝિન વાંચવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં તેઓ જુનિયર ઍસ્ટ્રૉનોમિકલ ઍસોસિયેશનમાં જોડાયા અને યુરેનિયા સોસાયટીના જર્નલમાં સેવાઓ  આપી હતી. તેઓ ૧૯૩૬માં લંડન ગયા અને ત્યાંના શિક્ષણ બોર્ડમાં પેન્શન ઑડિટર તરીકે જોડાયા હતા. ક્લાર્ક આજીવન અવકાશયાત્રાના સમર્થક હતા. ૧૯૫૦માં તેમણે ‘ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ’ નામનું અવકાશ ઉડાનની મૂળભૂત બાબતોની રૂપરેખા આપતું પુસ્તક લખ્યું હતું. ક્લાર્ક એક ઉત્સાહી સ્કૂબા ડાઇવર હતા અને અંડરવૉટર એક્સપ્લોરર્સ ક્લબના સભ્ય પણ હતા. તેમની પાસેથી ૨૬ નવલકથાઓ, ૧૭ વાર્તાસંગ્રહો અને ૧૮ જેટલાં અન્ય પુસ્તકો પ્રાપ્ત થયાં છે. ક્લાર્કે વિજ્ઞાનસાહિત્યનાં ખાસ પ્રકારનાં કાર્યો માટે ડઝનથી વધુ વાર્ષિક સાહિત્યિક પુરસ્કારો જીત્યા હતા. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને  અન્ય સન્માનો માટે  ૧૯૬૩નો સ્ટુઅર્ટ બેલેન્ટાઈન મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૯૫૬માં તેમની ટૂંકી વાર્તા ‘ધ સ્ટાર’ને હ્યુગો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૬૧માં તેમણે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો-કલિંગ પુરસ્કાર જીત્યો હતો. ક્લાર્કને તેમની ‘અ મિટિંગ વિથ મેડુસા’, ‘રેન્ડેઝ્વસ વિથ રામા’ અને ‘ધ ફાઉન્ટેન્સ ઑફ પેરેડાઇઝ’ જેવી નવલકથાઓને નેબ્યુલા અને હ્યુગો જેવા ઍવૉર્ડથી નવાજવામાં આવી હતી. ૧૯૮૮માં તેમને યુનિવર્સિટી ઑફ બાથ દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમણે વિજ્ઞાનસાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હેનલેઇન ઍવૉર્ડ જીત્યો હતો. ૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ શ્રીલંકાએ ક્લાર્કને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રીલંકાભિમાન્ય (શ્રીલંકાનું ગૌરવ) એનાયત કર્યો હતો. આજે યુનાઇટેડ કિંગ્ડમમાં વિજ્ઞાન સાહિત્યલેખન માટે આર્થર સી. ક્લાર્ક પુરસ્કાર વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

અશ્વિન આણદાણી