સ્પૃહાવાન અમીર એ સૌથી


મોટો ગરીબ ————

ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ કણાદ ‘કણભૂક’ કે ‘કણભક્ષ’ તરીકે ઓળખાતા હતા. એમની આવી ઓળખનું કારણ એ કે ખેતરમાં અનાજ લણ્યા પછી ધરતી પર પડી રહેલા અનાજના કણનું જ તેઓ ભોજન કરતા હતા. કણાદ તરીકે ઓળખાયેલા આ મહર્ષિએ દસ અધ્યાય અને પ્રત્યેકમાં બે બે આહનિક ધરાવતા ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. ખેતરમાં પડેલા અન્નના કણ(દાણા)નું  ભોજન કરીને અખંડ વિદ્યાસાધના કરતા આ મહર્ષિ અત્યંત સંયમી જીવન જીવતા હતા. આ પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે પોતાના રાજ્યના આવા જ્ઞાની દાર્શનિક નીચે પડેલા દાણાનું ભોજન કરીને જીવે છે, તે વાત રાજાને પસંદ પડી નહીં. એમણે રાજ્યના મંત્રીને આદેશ આપ્યો કે મહર્ષિ કણાદને માટે તત્કાળ ઉત્તમ ભોજન મોકલાવો. ભાતભાતનાં પકવાન ધરાવતું ભોજન મહર્ષિ સમક્ષ મૂકવામાં આવ્યું, ત્યારે મહર્ષિએ આવું ભોજન લેવાની ના કહી. એમણે કહ્યું કે, ‘આની મારે કોઈ જરૂર નથી. તમે આ ભોજન ગરીબોને વહેંચી નાખજો.’ રાજાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને અકળામણ અને અધીરાઈ બંને થયાં. આ તે કેવા મહર્ષિ ? રાજા સ્વયં ભોજનસામગ્રી લઈને મહર્ષિ પાસે ગયા. મહર્ષિએ એ જ સાહજિકતાથી કહ્યું, ‘મારે આવા કોઈ ભોજનની જરૂર નથી. એને ગરીબોમાં વહેંચી દેજો.’ ગર્વભંગ થયેલા રાજવીએ કહ્યું, ‘ઓહ ! તમારાથી વધુ ગરીબ આ રાજ્યમાં બીજો કોણ હશે ? મહર્ષિ મૌન રહ્યા. રાજા મહેલમાં પાછા ફર્યા અને રાણીને સમગ્ર ઘટના કહી, ત્યારે રાણીએ કહ્યું, ‘મહારાજ, મહર્ષિ કણાદને ગરીબ કહીને તમે ઘણી ગંભીર ભૂલ કરી. એમની પાસે તો સુવર્ણસિદ્ધિ છે. કોઈ પણ ધાતુને સુવર્ણમાં પલટાવી શકે તેવી સિદ્ધિ. તમારે તો એમની પાસેથી આવી સુવર્ણસિદ્ધિ માગવાની જરૂર હતી.’ રાજાના મનમાં લોભ જાગ્યો એટલે મહર્ષિ પાસે આવીને ક્ષમાયાચના કરતાં કહ્યું, ‘હે મહર્ષિ ! કૃપા કરીને મને સુવર્ણસિદ્ધિ વિદ્યા શીખવો.’ ‘વાયુપુરાણ’ જેવો ગ્રંથ જેમને પ્રભાસપાટણના નિવાસી ગણાવે છે તેવા મહર્ષિ કણાદે કહ્યું, ‘હે રાજન્, થોડા સમય પહેલાં તમે મને ગરીબ કહેતા હતા. હવે કહો, ગરીબ તમે છો કે હું ? શું હું તમારે દરવાજે યાચના કરવા આવ્યો ખરો ? યાચના તો તમે કરો  છો.’ મહર્ષિ કણાદની વાત સાંભળીને રાજાનો ગર્વ ખંડિત થઈ ગયો.

હકીકત એ છે કે નિસ્પૃહી ઋષિ કરતાં સ્પૃહાવાન રાજા અતિ ગરીબ હોય છે. પોતાની ગરીબી કે ફકીરીમાં સંતોષથી જીવન જીવનાર કરતાં વધુ સમૃદ્ધિની સ્પૃહા રાખનાર અમીર વધુ ગરીબ હોય છે. ગરીબ આજના સંતોષ પર જીવતો હોય છે. અમીરની આજ સંતોષથી ભરેલી હોય છે અને એની આવતી કાલ વધુ સમૃદ્ધિ મેળવવાની ઝંખનાથી ઊગતી હોય છે.

કુમારપાળ દેસાઈ