જાપાનની ચિત્રકલા


કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત થયેલી જોવા મળે છે. જાપાનની ચિત્રકલાનો ઇતિહાસ ૧૨૦૦ વર્ષ જૂનો છે, જે અનેક પ્રકારની ચિત્રશાળાઓ(schools)માં વહેંચાયેલો છે. જાપાનમાં ચિત્રકલાનું પ્રેરણાસ્થાન ધર્મ હતું. શિન્તો, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોએ જાપાનની ચિત્રકલાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે જાપાનમાં પણ સામાજિક પરિવર્તન આવ્યું અને ચિત્રકલાના વિષયો બદલાયા.

જાપાનની ચિત્રકલાનો એક નમૂનો

જાપાનમાં ચિત્રોના આલેખન માટે લખવાની પીંછીનો ઉપયોગ થતો હતો. ચિત્ર માટેની સાધનસામગ્રીમાં શાહી અથવા વૉટર કલર, બ્રશ, કાપડ અથવા રેશમી કાપડ, લાકડાની પટ્ટીઓનો સમાવેશ થતો હતો. ચિત્રકારો ઘૂંટણિયે પડીને રેખા અને રંગ વડે ચિત્રનું આલેખન કરતા હતા. શરૂઆતના સૈકાઓમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ અજંટાની જેમ ભિત્તિચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. આ ઉપરાંત ચિત્રકલાના નમૂનાઓ ચિત્રવીંટા (Makimono scrolls) અને પડદાઓ(Kakemono-hangings)માં પણ જોવા મળે છે. ચિત્રકલાના વિષયોમાં દેવદેવીઓ, મનુષ્યો, વ્યક્તિચિત્રો, પ્રકૃતિ, પશુ-પંખીઓ ઇત્યાદિનું આલેખન જોવા મળે છે. ચીનની જેમ જાપાનનો ચિત્રકાર પોતાના સર્જનમાં રેખા અને લયને વિશેષ મહત્ત્વ આપે છે. કલાસર્જનના ઇતિહાસમાં યુકિયો શાખાના કુશળ ચિત્રકારોની રંગછાપ (colour-prints) માનભર્યું સ્થાન ધરાવે છે. આ કલાનાં મૂળિયાં પ્રાચીન ચીનમાં પડેલાં હતાં જેનો વિકાસ તાંગ અને શુંગ રાજવંશોના અમલ દરમિયાન (ઈ. સ. ૬૧૮-૯૦૫ અને ઈ. સ. ૯૬૦થી ૧૨૮૦) થયો હતો. શિષ્ટ પરંપરાના જાપાની ચિત્રકારો જ્ઞાન અને પ્રેરણા માટે તેના તરફ વળ્યા હતા. જાપાનની ચિત્રશાળાઓ સૌંદર્યશાસ્ત્રના ગહન નિયમોનું પાલન કરનાર હતી. જાપાનની ચિત્રકલાના ઇતિહાસમાં યેશિન સોઝુ ઈ. સ. ૧૦૧૭માં ધાર્મિક ચિત્રોના આલેખન માટે પ્રખ્યાત હતો. આ સમયમાં ડોએ-નો-ડાનોકા નામના ચિત્રકારે બિનસાંપ્રદાયિક ચિત્રો આલેખવાની શરૂઆત કરી હતી. ચિત્રમાં પશુ-પંખીઓ અને ફૂલો દેવો અને સંતોનું સ્થાન લેવા લાગ્યાં ! આશરે ઈ. સ. ૧૧૫૦માં રાજકીય આશ્રય હેઠળ રાષ્ટ્રીય ચિત્રશાળા ક્યોટો(Kyoto)નો જન્મ થયો જેણે રાજધાનીમાં મહેલો, સમૃદ્ધ ઘરો અને દેવળોમાં જાપાનનાં ફૂલો અને ધરતીની પ્રકૃતિને ચિત્રમાં મહત્ત્વ આપ્યું. આ રાષ્ટ્રીય ચિત્રશાળામાંથી તેના ઉત્તમ શિક્ષકોના નામે બીજી અનેક ચિત્રશાળાઓનો વિકાસ થયો જેમાં યામાતો રિયૂ, વાગા રિયૂ, કાસૂગા અને તોસા શાળા મુખ્ય છે. સમય જતાં આ તોસા શાળા પરંપરાગત રૂઢિઓ અને શૈલીઓમાં વિલીન થઈ ગઈ. ચીનમાં શુંગ નવજાગૃતિના કાળમાં જે નવી ચિત્રશૈલીઓનો જન્મ થયો તેમાંથી જાપાની ચિત્રકારોએ પોષણ અને પ્રેરણા મેળવ્યાં. તેમણે ચિત્રકલામાં ચીની પાત્રો અને દૃશ્યોનું આલેખન શરૂ કર્યું. ચીનની ચિત્રકલાના પ્રભાવના આ બીજા તબક્કામાં જાપાને એક મહાન ચિત્રકાર સેશિયૂની ભેટ ધરી. આ ચિત્રકાર ઝેન સાધુ હતો અને યુવાન વયથી સુંદર ચિત્રોનું આલેખન કરતો હતો. એણે ચિત્રકલામાં ચીની વિષયોને મહત્ત્વ આપ્યું. જાપાનની પ્રજા આજે પણ આ ચિત્રકાર પ્રત્યે આદરની લાગણી ધરાવે છે. પંદરમી સદીના અંતમાં જાપાનમાં કાનો-મસાનોબૂએ આશિકાના આશ્રય નીચે કિયોટો નામની બિનસાંપ્રદાયિક ચિત્રશાળાની સ્થાપના કરી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જાપાનની ચિત્રકલા, પૃ. 736)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચીનુભાઈ નાયક