એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર પડી. આ કવર પર ટિકિટ લગાવેલી હતી, પરંતુ તેના પર ટપાલખાતાનો સિક્કો નહોતો. એમનો ઇરાદો એવો હતો કે ટપાલખાતાની આ સિક્કા વગરની ટિકિટનો પુન: ઉપયોગ કરવો. ઠક્કરબાપાની નજર એમની આ ‘પ્રવૃત્તિ’ પર પડી અને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે ! કવર પરથી આમ ટિકિટ શા માટે ઉખાડે છે ? એની પાછળ શું કારણ છે ?’ અંતેવાસીએ કહ્યું, ‘આ કવર પર ટપાલખાતાએ સિક્કો લગાવ્યો નથી, તેથી આ ટિકિટનો ફરી ઉપયોગ થઈ શકશે. બીજા કવર પર લગાવીને ટપાલખર્ચ બચાવી શકાશે.’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘ભાઈ, મને એ કવર આપ. મારે એ કવરની ટિકિટ પર સિક્કો મારવો છે.’ આમ કહીને ઠક્કરબાપાએ પેનથી કવર પર લગાવેલી ટિકિટ પર ચોકડી કરીને કવર પાછું આપ્યું. એમણે કહ્યું કે આવી રીતે ટિકિટ વાપરવી તે અપ્રમાણિકતા કહેવાય. અંતેવાસીએ વિરોધ કરતાં કહ્યું, ‘આમાં વળી અપ્રમાણિકતા શું ? ટિકિટને ફરીથી વાપરવામાં વાંધો શું?’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘આ જરૂર વાંધાજનક કહેવાય. ટિકિટનું કામ છે ટપાલ પહોંચાડવાનું અને આ ટિકિટે એની ફરજ અદા કરી લીધી છે. એના વપરાશનો અધિકાર પત્ર મોકલનારનો હતો, તે પૂરો થયો છે. હવે આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ નહીં.’
જીવનની નાની નાની બાબતો પ્રમાણિકતાની કસોટી કરનારી હોય છે. નાનકડી અપ્રમાણિકતા આચરવાથી ક્યાં અપ્રમાણિક બની જવાનું છે, એમ માનનાર ધીરે ધીરે મોટી અપ્રમાણિકતા આચરે છે. નાનકડું બિંદુ પાણીનો હોજ બને તેમ નાનકડી ક્ષતિ મહાન ભૂલોની જન્મદાત્રી બને છે. નાની નાની પ્રમાણિકતાથી જ મોટી પ્રમાણિકતા સધાતી હોય છે. મહાન વ્યક્તિઓના જીવનમાં સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ પ્રમાણિકતા પ્રગટ થાય છે. પ્રમાણિક માનવી ક્યારેય બેચેન બનતો નથી કે ઉજાગરા વેઠતો નથી. અપ્રમાણિક પાસે ધનના ઢગલા હશે, પણ અનિદ્રાના રોગથી પીડાતો હશે. દરેકને જુદી અને જુઠ્ઠી વાતો કહેનારે એ યાદ રાખવું પડે છે કે કોને શું કહ્યું ! કદાચ પકડાઈ જઈશું તો ? જ્યારે પ્રમાણિક માનવી નિરાંતના ઓશીકે ઊંઘી શકે છે.
કુમારપાળ દેસાઈ