ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.
નવું બંદર, જાફરાબાદ
સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ
જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
શિવપ્રસાદ રાજગોર