એક આંખમાં સંતોષ, બીજી


આંખે પ્રગતિ ! ————-

જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની કે હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ. મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેમને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.

કુમારપાળ દેસાઈ