પરેશાની ————–
અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.
સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.
કુમારપાળ દેસાઈ