અધ્યાત્મની પ્યાસમાં ભરતી-


ઓટ હોતાં નથી ===============

માનવીનું જીવન એટલે વણછીપી તરસ. એને એક એવી તરસ હોય છે કે જેને છિપાવવા માટે એ સતત પ્રયાસ  કરતો હોય છે. કોઈને ધનની તરસ હોય છે, તો કોઈને પદની ભૂખ હોય છે. કોઈને સમૃદ્ધિની તરસ પીડતી હોય છે, તો કોઈનું હૃદય પ્રિયજનના વિયોગની તરસથી તરફડતું હોય છે. પ્રેમની પણ એક પ્યાસ હોય છે અને એ પ્યાસ બુઝાવવા માટે માનવી પ્રયત્ન કરતો હોય છે. એની પ્રેમની પ્યાસ એને સતત ઝંખનાઓ,  સ્વપ્નો, આશાઓ અને આકાંક્ષાઓ પર દોડાવે છે. એની આ તૃષા ક્યારેક તૃપ્ત થાય છે, તો ક્યારેક એ મૃગતૃષ્ણા બની રહે છે ! આ બધી તૃષાઓમાં ક્યારેક આનંદ તો ક્યારે વિષાદ આવે છે. થોડું સુખ અને દુ:ખ આવે છે. ઝંખનાની તીવ્રતા અને પ્રાપ્તિ થતાં શૂન્યતાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે એને અધ્યાત્મની તરસ જાગે છે ત્યારે તરસનું રૂપ અને એનું સૌંદર્ય સાવ બદલાઈ જાય છે. ભૌતિક જીવનની તરસમાં એના ચિત્તને કેટલાય સંઘર્ષો વેઠવા પડે છે, ત્યારે અધ્યાત્મની તરસ એને એક આનંદ સ્થિતિમાં રાખે છે. પરિણામે એના જીવનમાંથી સ્થૂળ આનંદો, ક્ષુદ્ર વસ્તુઓ અને ભૌતિક એષણાઓની બાદબાકી થઈ જાય છે, એટલું જ નહીં, પણ એ કોઈ વિરાટ ગગનમાં ઊડવા લાગે છે. એનું આ ઉડ્ડયન એવું હોય છે કે હવે એને જીવનની કોઈ પ્યાસ પજવતી નથી. જીવનની પ્યાસમાં ક્ષણભંગુરતા હતી તો અધ્યાત્મની પ્યાસમાં ચિરંજીવતા છે. એમાં ભરતી કે ઓટ નથી. એમાં આશા કે નિરાશા નથી, પણ એ બધાથી પર એવા જીવનનો ઉલ્લાસ અને પરમ પ્રસન્નતા છે. ચિંતા કે પીડા, અવસ્થા કે અપમાનને પાર વસતી સ્વસ્થ, સ્વચ્છ, શાંત જળ સમી સમતા છે.

કુમારપાળ દેસાઈ