પ્રકૃતિના આનંદની


બાદબાકીનો અનર્થ ============

ક્યારેક તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે. એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જીવવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે. સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે. ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દૃશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે. પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !

કુમારપાળ દેસાઈ