જ. ૩ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૬ જુલાઈ, ૧૯૯૭
ભારતીય સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક ચેતન આનંદનો જન્મ લાહોરમાં થયો હતો. તેમના પિતા પિશોરીલાલ આનંદ ઍડ્વોકેટ હતા. ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલયમાં તેઓ હિન્દુ શાસ્ત્રો ભણ્યા અને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. તેઓ ભારતીય નૅશનલ કૉંગ્રેસના સભ્ય હતા. તેમણે થોડો વખત બી.બી.સી. સાથે કામ કર્યું અને પછી દૂન શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ પોતે લખેલી વાર્તા બતાવવા તેઓ મુંબઈ આવી ગયા. ઇતિહાસ ભણાવતી વખતે તેમણે રાજા અશોક ઉપર ફિલ્મવાર્તા લખી હતી તે ફણી મજુમદારે બતાવી. પરંતુ ફણી મજુમદારે તેમને પોતાની ફિલ્મ રાજકુમારમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવા ઑફર આપી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા) સાથે પણ જોડાયા. ફિલ્મ ‘નીચા નગર’થી તેઓ દિગ્દર્શક બન્યા. ૧૯૫૦ના અરસામાં તેમણે નાના ભાઈ દેવ આનંદ સાથે મુંબઈમાં નવકેતન પ્રોડક્શનની સ્થાપના કરી. આ બૅનર હેઠળ ‘અફસર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘આંધિયાં’ જેવી ફિલ્મો બતાવવામાં આવી. દિગ્દર્શન સાથે તેમણે ‘હમસફર’, ‘અર્પણ’, ‘અંજલિ’, ‘કાલા બજાર’, ‘હિન્દુસ્તાન કી કસમ’ વગેરે ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. ત્યારબાદ તેમણે ફોટોગ્રાફર જય મિસ્ત્રી, સંગીતકાર મદનમોહન, ગીતકાર કૈફી આઝમી અને પ્રિયા રાજવંશ સાથે પોતાની ‘હિમાલય ફિલ્મ્સ’ નામની નિર્માણ કંપની શરૂ કરી. આ બૅનર હેઠળ ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હંસતે ઝખ્મ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવામાં આવી. સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ હરીફાઈમાંથી શોધી લાવનાર પણ તેઓ જ હતા. ૧૭ ફિચર ફિલ્મો ઉપરાંત તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ ‘પરમવીર ચક્ર’ પણ દિગ્દર્શિત કરી હતી. ૧૯૪૬માં તેમને ‘નીચા નગર’ ફિલ્મ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Palm d’Or’ ઍવૉર્ડ, ૧૯૬૫માં ‘હકીકત’ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ (સેકન્ડ બેસ્ટ ફિલ્મ ફિચર), ૧૯૮૨માં ‘કુદરત’ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સ્ટોરીનો ઍવૉર્ડ મળ્યો હતો.
અમલા પરીખ