પુરાણોમાં આવતું અંધ માતા-પિતાની સેવા કરનાર આદર્શ પુત્રનું પાત્ર.
બ્રહ્મપુરાણ પ્રમાણે શ્રવણના પિતા એક તપસ્વી બ્રાહ્મણ હતા. તેમનું નામ શાંતનુ. તેમનાં બીજાં નામ કંદર્પ, અંધક, ગ્રહભાનુ, શાંતવન વગેરે હતાં. તેમની માતાનું નામ જ્ઞાનવતી. વાલ્મીકિરામાયણ પ્રમાણે તેના પિતા વૈશ્ય અને માતા શૂદ્ર હતાં. શ્રવણ મોટો થતાં વૃદ્ધ બનેલાં અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઇચ્છા દર્શાવી. માતૃભક્ત અને પિતૃભક્ત શ્રવણે તેમની ઇચ્છા પૂરી કરવા કમર કસી. તેણે કાવડ બનાવી. તેમાં માતા-પિતાને બેસાડી પગપાળા ચાર ધામ, બાર જ્યોતિર્લિંગ તથા ૬૮ તીર્થોની યાત્રા કરાવી.
માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવતો શ્રવણ
ઘેર પાછા ફરતી વખતે તેઓ માર્ગમાં સરયૂ નદીને કાંઠે પાણી પીવા રોકાયાં. તે સમયે અયોધ્યાના યુવરાજ દશરથ સરયૂ નદીને કાંઠે મૃગયા ખેલવા આવ્યા હતા. રાત્રિના સમયે નદીમાં અનેક પ્રાણીઓ પાણી પીવા આવતાં. તેમનો શિકાર કરવાની ઇચ્છાથી દશરથ રાજા સરયૂતટે ગયા અને એક વૃક્ષ પાછળ છુપાઈને શિકારની રાહ જોવા લાગ્યા. દરમિયાન શ્રવણ માતા-પિતાની તરસ છિપાવવા ઘડો લઈને આવ્યો. તેના ઘડામાં પાણી ભરાતાં બુડ…બુડ અવાજ થયો. એ અવાજ કોઈ પ્રાણીનો હોવાનું માની દશરથે રાત્રિના અંધારામાં શબ્દવેધી બાણ છોડ્યું. શ્રવણને તે વાગતાં તેનો આર્તનાદ દશરથને સંભળાયો. દશરથ રાજા સ્તબ્ધ થઈ ગયા. શ્રવણના શબ્દો દશરથના કાને પડ્યા, ‘અરેરે, રાત્રિના સમયે હું જળ લેવા આવ્યો છું ત્યારે મને કોણે બાણ માર્યું ? મેં કોનો અપરાધ કર્યો છે ? મારા મરણ પછી મારાં વૃદ્ધ અંધ માતા-પિતાનું શું થશે ? એ કેવી રીતે જીવી શકશે ?’ શ્રવણે દશરથને જોઈને કહ્યું, ‘રાજન્ ! હું મારાં માતા-પિતા માટે જળ લેવા અહીં આવ્યો હતો. તેઓ ખૂબ તરસ્યાં છે અને બહુ આતુરતાથી મારી વાટ જોતાં હશે. કૃપા કરી તમે આ ઘડામાં પાણી લઈ જઈને તેમને પિવડાવો.’ શ્રવણ દશરથના બાણથી વીંધાઈને ધરતી પર પડ્યો હતો. તેણે દશરથને પોતાનાં માતા-પિતા માટેનું સેવાકામ સોંપીને પ્રાણ છોડ્યા. શ્રવણનાં માતા-પિતાએ પછી પુત્રવિયોગમાં દશરથ રાજાને પણ પોતાના જેવું પુત્રવિયોગનું દુ:ખ ભોગવવું પડશે એવો શાપ આપતાં પ્રાણ છોડ્યા. અન્ય પુરાણો અનુસાર, શ્રવણને દેહાવસાન બાદ આકાશમાં ભગવાને તેજસ્વી તારા રૂપે સ્થાન આપી અમર કર્યો.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
શુભ્રા દેસાઈ