જે. સી. કુમારપ્પા


જ. ૪ જાન્યુઆરી, ૧૮૯૨ અ. ૩૦ જાન્યુઆરી, ૧૯૬૦

તેઓ ભારતના અર્થશાસ્ત્રી હતા. તેમનું નામ જોસેફ ચેલ્લાદુરઈ કૉર્નલિઅસ હતું. મહાત્મા ગાંધીના તેઓ નિકટના સહયોગી હતા. તેઓએ ગ્રામ-વિકાસ સંબંધી આર્થિક સિદ્ધાંતો અને ગાંધીવાદ પર આધારિત આર્થિક સિદ્ધાંતોનો વિકાસ કર્યો હતો. તેઓ રચનાત્મક કાર્યકર અને પાયાની કેળવણીના પ્રખર હિમાયતી હતા. તેમનો જન્મ તમિલનાડુમાં મધ્યમવર્ગના ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ લંડન જઈને એકાઉન્ટન્સી, અમેરિકાની સિરૅક્યૂસ યુનિવર્સિટીના બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન વિષયમાં સ્નાતક અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા હતા. મુંબઈમાં ઑડિટર તરીકે કામ કર્યા પછી ગાંધીજીની વિચારસરણીના પ્રભાવ હેઠળ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ભારતમાં વિદેશી શાસનનાં અનિષ્ટો ખુલ્લાં પાડવા બદલ ૧૯૩૧માં કારાવાસ ભોગવ્યો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોનો અહેવાલ તૈયાર કરવા રાષ્ટ્રીય કૉંગ્રેસે તેમની નિમણૂક કરી. તેમણે ગુજરાતના ગ્રામવિસ્તારોની તથા મધ્યપ્રાંતની ઔદ્યોગિક મોજણી કરી હતી. કુમારપ્પાએ ‘ઇકૉનૉમિક એક્સપ્લોઇટેશન ઑવ્ ઇન્ડિયા બાય ધ બ્રિટિશ’ તેવા શીર્ષક હેઠળ એક મહાનિબંધ લખ્યો હતો. જેનાથી ગાંધીજી પ્રભાવિત થયેલા અને તેઓએ ‘યંગ ઇન્ડિયા’માં પ્રકાશિત કર્યો હતો. કુમારપ્પાને ગાંધીવાદી અર્થશાસ્ત્રના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. ગાંધીજીની આર્થિક વિચારસરણીનું અર્થઘટન કરી ભારતની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેની આવશ્યકતા અને વ્યાવહારિકતાની જોરદાર હિમાયત કરી હતી. તેઓ ગૃહઉદ્યોગના પુરસ્કર્તા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવામાં અર્પણ કર્યું હતું. તેઓએ ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ૧૯૯૨માં દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમની જન્મશતાબ્દી ઊજવાઈ હતી.

અંજના ભગવતી