જ. ૫ જાન્યુઆરી, ૧૯૩૬ અ. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧
ગુજરાતી નવલકથાકાર, કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક રાધેશ્યામનો જન્મ ગાંધીનગરના વાવોલમાં થયો હતો. પિતા સીતારામ ગુજરાતમાં કીર્તનાચાર્ય તરીકે જાણીતા હતા. પિતા તરફથી ધાર્મિક સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ૧૯૫૭માં ગુજરાત કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને તે પછી સ્વતંત્ર લેખનકાર્યની શરૂઆત કરી. સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમીનાં સામયિકો ‘પરબ’ અને ‘શબ્દસૃષ્ટિ’માં નિયમિત લેખો લખ્યા. ‘ઉદ્દેશ’ અને ‘કુમાર’ જેવાં માસિકો તથા ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘સમભાવ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં દૈનિકોમાં સ્વતંત્ર લેખન કર્યું. તેઓએ ‘ધર્મલોક, ‘યુવક’ અને ‘ધર્મસંદેશ’નું સંપાદન કર્યું હતું. તેઓ ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક પણ હતા. સાહિત્યના ઊંડા અભ્યાસી રાધેશ્યામ લેખનમાં તેમની પ્રયોગશીલતા માટે જાણીતા છે. ‘આંસુ અને ચાંદરણું’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ‘ફેરો’ નવલકથા અને ‘સ્વપ્નતીર્થ’ લઘુનવલે તેમને ખૂબ યશ-કીર્તિ અપાવ્યાં. વાર્તાક્ષેત્રે ‘બિચારા’થી ‘વાતાવરણ’ની પ્રયોગશીલ રચનાઓ સુધીની તેમની સર્જનયાત્રા ખૂબ નોંધનીય રહી. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ નામે દળદાર ગ્રંથોમાં સમકાલીન જીવંત લેખકો-કલાકારોનાં જીવનકવનને તેમણે ગ્રંથસ્થ કર્યાં છે. તેમની રચનાઓમાં સમકાલીન લેખકોની નવી સંવેદનશીલતા તથા વિશેષતાઓ પ્રતિબિંબિત થાય છે. તેમની લઘુકથાઓમાં સંક્ષિપ્તતા તથા અપરિચિત વિષયો – એ તેમની વિશેષતા છે. તેમનાં લગભગ ચોત્રીસ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્યક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન બદલ તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક(૧૯૯૫), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪), કુમાર સુવર્ણચંદ્રક(૨૦૧૨)થી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્યમંડળ – કલકત્તાનો પુરસ્કાર, ક્રિટિક્સ ઍવૉર્ડ, કવિલોક ઍવૉર્ડ, અનંતરાય રાવળ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ