જાલોન (Jalaun)


ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે ૨૬ ૦૯´ ઉત્તર અક્ષાંશ અને ૭૯ ૨૧´ પૂર્વ રેખાંશની આજુબાજુનો ૪૫૬૫ ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ ૯૩ કિમી. લંબાઈ અને ઉત્તર-દક્ષિણ ૬૮ કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લામથક જાલોન પરથી પડેલું છે. જિલ્લામથક જાલોન હોવા છતાં ઓરાઈ વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઝાંસી વિભાગનો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઓરૈયા, પૂર્વમાં કાનપુર, અગ્નિ અને દક્ષિણ તરફ હમીરપુર, દક્ષિણ તરફ ઝાંસી જિલ્લા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : બુંદેલખંડ પ્રદેશના સમતળ મેદાનમાં આ જિલ્લો પથરાયેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સીમા પરથી યમુના નદી વહે છે. ઉત્તર તરફ યમુના નદી આ જિલ્લાને ઓરૈયા અને કાનપુર જિલ્લાઓથી અલગ પાડે છે; તેમજ બેતવા (સહાયક) નદી તેની દક્ષિણ સીમા અને પાહુજ નદી તેની પશ્ચિમ સીમા રચે છે. જ્યારે નોન (Non) અને મેલુંજા નદીઓ તેના મધ્ય ભાગમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઊંડાં કોતરો રચાયાં છે. અહીંનું ઉનાળાનું સરેરાશ તાપમાન ૪૦ સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અહીં દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૮૦૦ મિલી. જેટલો પડે છે.

વનસ્પતિ : અહીં વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું (૬%) છે; તેમ છતાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. ઉત્તરના ભાગોમાં આંબા અને મહુડાનાં વૃક્ષો વધુ છે.

‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે જુવાર, બાજરી, ડાંગર, જવ, તેલીબિયાં, ઘઉં, કઠોળ, શેરડી વગેરે જેવા કૃષિ પાકો લેવાય છે. બાગાયતી ખેતીમાં ડેરીની સ્થાનિક જાતની વાડીઓ આવેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. અહીંની ગાયની અજયગઢ ઓલાદ વધુ જાણીતી છે. ગૃહઉદ્યોગ-વેપાર : અહીં ખેતી અને પશુપાલન પર આધારિત ગૃહઉદ્યોગો વિકસેલા છે; જેમાં ખાસ કરીને ચર્મઉદ્યોગ, હાથસાળ, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ થતી વસ્તુઓ પૈકી  ઘઉં, બટાટા અને શેતરંજી તથા આયાતી વસ્તુઓ પૈકી ગંધક, સૂતર, કાપડ અને ઘી મુખ્ય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાંથી કાનુપર-લખનૌ અને ઝાંસીને જોડતો રેલમાર્ગ ઓરાઈ પાસેથી પસાર થાય છે. કાનપુરથી ઝાંસી જતો મધ્ય રેલમાર્ગ આ જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. એ જ રીતે ઉપર્યુક્ત મથકોને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૫ રેલમાર્ગને સમાંતર પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. ૨૧ જાલોન નગરને ઓરાઈ સાથે તેમજ ઇટાવાહ જિલ્લાના ઓરૈયા મથકને સાંકળે છે. સડક માર્ગોની કુલ લંબાઈ આશરે ૮૦૦ કિમી. જેટલી છે. આ જિલ્લામાં મંદર સાહિબ, ગફૂર ઝંઝાની, ચૌલ બીબી, બહાદૂર શહીદ, ચૌરસી ગુંબજ (લોદી શાહ બાદશાહની કબર અથવા સિકંદર લોદીની કબર), સીરી દરવાજા જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં કેટલાક સ્વાતંત્ર્ય-સેનાનીઓ થઈ ગયા છે, તેમની યાદમાં ૨૫મી ડિસેમ્બરે મેળો ભરાય છે. આ ઉપરાંત જિલ્લામાં ‘કલ્પી’ કિલ્લો આવેલો છે, તે યમુના નદી પર છે તેમજ તેનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે. ‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત અહીંના બાબુ મથુરાપ્રસાદે બંધાવેલી, તેમાં દશ મસ્તકવાળું રાવણનું પૂતળું મૂકેલું છે. લોકો-વસ્તી : ૨૦૧૧ મુજબ આ જિલ્લાની વસ્તી ૧૬,૭૦,૭૧૮ જેટલી છે. અહીં ૧૦ શહેરો અને ૧૧૫૧ (૨૦૯ વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી છે. તેઓ મોટે ભાગે હિંદી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી