ભારતની દક્ષિણે આવેલો એક પડોશી દેશ.
શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ છાજલી પર આશરે ૩૫ કિમી. દૂર આવેલો નાનો ટાપુરૂપ દેશ છે. તે લગભગ ૫ ૫૫´થી ૯ ૫૦´ ઉ. અ. તથા ૭૯ ૪૨´થી ૮૧ ૫૨´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની ચારે બાજુ સમુદ્ર છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર મોતી અથવા નાળિયેર જેવો છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દી મહાસાગરમાં થઈને વિષુવવૃત્તની રેખા પસાર થાય છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬૫,૬૧૦ ચોકિમી. જેટલું છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ ૪૩૫ કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે ૨૪૦ કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તે ૧૫૦૦ કિમી. લાંબો સમુદ્રતટ ધરાવે છે. તેની વસ્તી આશરે ૨,૦૮,૧૦,૮૧૬ (૨૦૧૭) જેટલી છે.
કોલંબો
શ્રીલંકા અને ભારત વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જેમાં બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. ધનુષ્કોડી (ભારત) અને તલાઈમનાર (શ્રીલંકા) વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેના સાથે આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા ભેજવાળા ભાગોમાં સદાહરિત જંગલો આવેલાં છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. નદીકિનારા પાસે વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીલંકામાં જોવા મળતાં પ્રાણીઓમાં સ્લોથ બૅર (રીંછ), હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં અને સ્લેન્ડર લૉરિસ મુખ્ય છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં વિશિષ્ટ પ્રકારના હાથી થાય છે. સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા એ અહીંની વિશિષ્ટ જાત છે. અહીં ચામાચીડિયાની ૨૮ જાતો જોવા મળે છે. તે સિવાય અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્ત્વનાં છે. નદીઓ તથા સમુદ્રમાં સંખ્યાબંધ મગર જોવા મળે છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે સામાન્ય છે. પાટનગર કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું નગર તથા બંદર છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
અમલા પરીખ