મીઠાનો ગાંગડો મને પાછો


આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ