વિનોદ જશવંતલાલ ભટ્ટ


જ. ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૨૩ મે, ૨૦૧૮

ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં થયો હતો. ૧૯૬૪માં એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ વીસેક વર્ષ વેચાણવેરાના અને ત્યાર બાદ આવકવેરાના સલાહકાર તરીકે સેવા આપી. ૧૯૯૭થી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જનને લગતી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. તેમણે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) એ પુસ્તકથી લેખનકાર્યનો આરંભ કર્યો. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’ વગેરેથી તેમની સર્જક પ્રતિભાનો પરિચય થયો. ‘વિનોદની નજરે’ એ ગુજરાતી હાસ્યસાહિત્યનું અનોખું પુસ્તક છે. ‘અને હવે ઇતિ-હાસ’, ‘ગ્રંથની ગરબડ’, ‘અથથી ઇતિ’, ‘પ્રભુને ગમ્યું તે ખરું’ વગેરે તેમનાં વિશિષ્ટ પુસ્તકો છે. અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નોંધનીય છે. ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ એમની આત્મકથા છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના અને વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવી શૈલીમાં પરિચય કરાવતી અનેક પુસ્તિકાઓ લખી છે. તેમણે પોતાની ચરિત્રલેખનની કુશળતાનો પણ પરિચય આપ્યો. સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં ૩૨ વર્ષ સુધી તેમની ‘ઇદમ્ તૃતીયમ્’ કટાર પ્રગટ થઈ. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મગનું નામ મરી’ કટાર લખી. કટોકટી દરમિયાન પણ તેમણે નિર્ભયતાપૂર્વક કટારલેખન કર્યું હતું. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે’ કહેનારા આ લેખકે સંપાદનક્ષેત્રે અગત્યનું કામ કર્યું છે. જુદા જુદા લેખકોની હાસ્યરસની રચનાઓનાં તેમણે સંપાદન કર્યાં છે. તટસ્થ નિરીક્ષણ અને માર્મિક, વેધક કટાક્ષને કારણે તેમના લેખો ખૂબ નોંધપાત્ર બન્યા. ‘વિનોદવિમર્શ’ પૂર્વ-પશ્ચિમમાં થયેલી વિચારણાનો અભ્યાસ કરી લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. આ દ્વારા તેમણે સૌને પોતાની વિવેચનશક્તિથી પરિચિત કર્યા. વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું  પ્રમુખપદ (૧૯૯૫) પણ શોભાવ્યું હતું. હાસ્ય સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૯), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તથા કુમાર ચંદ્રક (૧૯૭૬)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ