અઘરી વાણી એ પંડિતાઈનું


મિથ્યા પ્રદર્શન છે ——————

વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે ! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ  ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે આનંદઘનનાં પદ વાંચો અને હૈયાસોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થતું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે. એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે. ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને  માટે એ વધુ  કપરું બનાવશે.  આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દો પ્રયોજે, પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી. અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની  વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી  છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.

કુમારપાળ દેસાઈ