જ. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૦૭
ફિલ્મી દુનિયામાં ઓ. પી. નૈયર નામથી ખ્યાતિ ધરાવતા સંગીતકારનું પૂરું નામ ઓમકારપ્રસાદ નૈયર. તેમનો જન્મ લાહોરમાં થયો હતો. તેમણે સંગીતનું કોઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરેલું નહીં, પણ તેમની રુચિના કારણે ૧૯૪૯માં ‘કનિઝ’ અને ૧૯૫૨માં ‘આસમાન’ ફિલ્મમાં પાર્શ્વ સંગીત આપેલું જેને એવી ખાસ સફળતા મળેલી નહીં પણ ૧૯૫૪માં ગુરુદત્તની ફિલ્મ ‘આરપાર’માં તેમનું સંગીત પ્રશંસાને પાત્ર થયું. તેમાં શમશાદ બેગમ, ગીતા દત્ત અને રફીના કંઠનો તેમણે સુંદર પ્રયોગ કરેલો. પછી તો ‘કભી આર, કભી પાર’, ‘યે લો મૈં હારી પિયા’ અને ‘બાબુજી ધીરે ચલના’ જેવી રચનાઓ લોકોની જીભે રમવા લાગી. તેમણે તેમની સંગીતરચનાઓમાં પશ્ચિમી વાદ્યો સાથે ભારતીય વાદ્યોનો સમન્વય કર્યો હતો. ૧૯૫૫માં ‘બાપ રે બાપ’ ફિલ્મમાં આશા ભોસલેનો તેમને સાથ મળ્યો જે વીસ વર્ષો સુધી રહ્યો. ત્યારબાદ તેમણે દિલરાજ કૌર, વાણી જયરામ અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવી ગાયિકાઓના કંઠનો ઉપયોગ કર્યો હતો. તેમના સંગીતમાં ઉલ્લાસ, રમતિયાળપણું અને મસ્તી જોવા મળે છે, પરંતુ તેઓ ગંભીર પ્રકારનાં ગીતોનું પણ સ્વરનિયોજન કરતા જે ‘સોને કી ચીડિયા’ ફિલ્મમાં જોવા મળે છે. વળી તેમણે ફક્ત ‘રાગિની’ અને ‘કલ્પના’માં શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ધૂનોની રચના પણ કરેલી, પણ લોકોને તે બહુ રુચિ નહીં. ધીરે ધીરે તેમની ધૂનોમાં એકવિધતા આવવાથી તેમની પ્રગતિ અટકતી હોય તેવું લાગ્યું. તેમણે લતા મંગેશકર સિવાયની ગાયિકાઓ પાસે પણ અસામાન્ય કામ લીધું અને સાબિત કર્યું કે ગીતની લોકપ્રિયતામાં માત્ર કંઠની મધુરતા જ નિર્ણાયક નથી રહેતી. તે ઉપરાંત બંદીશો રચવાની અને ધૂનો બનાવવાની જે વિશેષતા તથા અલૌકિકતા અને વાદ્યોનું ચયન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવનના સાગરમાં ભરતી અને ઓટને સહજ રીતે સ્વીકારી પોતાની જ મસ્તીમાં જીવનાર મહાન સંગીતકાર એવા ઓ. પી. નૈયર તેમની અનેક લોકપ્રિય સ્વરરચનાથી અમર રહેશે. તેમને ૧૯૫૮માં ‘નયા દૌર’ ફિલ્મના સંગીતનિર્દેશક તરીકે ફિલ્મફેરનો ‘બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર’નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે ૨૦૧૩માં તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પડી હતી.
અશ્વિન આણદાણી