જ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૮ અ. ૨૨ જૂન, ૧૯૯૪
અક્કિનેની લક્ષ્મી વરા પ્રસાદ રાવનો જન્મ સામવારપાડુ, પશ્ચિમ ગોદાવરી જિલ્લો, આંધ્રપ્રદેશમાં થયો હતો. પિતા અક્કિનેની શ્રીરામુલુ અને માતા બાસવામ્મા. આ હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક એલ. વી. પ્રસાદના નામથી વધુ જાણીતા હતા. બાળપણથી જ ચલચિત્રોમાં રુચિ ધરાવનાર પ્રસાદનું મન અભ્યાસમાં ન ચોંટ્યું. પોતે પણ ચલચિત્રો બનાવી શકે એ વિચારોમાં રહેવા લાગ્યા. ૧૭ વર્ષે લગ્ન થઈ ગયું અને પછી ઘરની આર્થિક સ્થિતિ કથળતાં તેઓ મુંબઈ આવ્યા. ચલચિત્રો પ્રત્યે ઘેલછા તો હતી જ એટલે તેમાં કામ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. ઘણા સંઘર્ષ અને રઝળપાટ પછી ૧૯૩૦માં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં તેઓ કામ કરતા હતા ત્યારે ૧૯૩૧માં ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમને કામ કરવાની તક મળી. આમ પ્રથમ હિંદી બોલપટ ‘આલમઆરા’, પ્રથમ તમિળ બોલપટ ‘કાલિદાસ’ તથા પ્રથમ તેલુગુ બોલપટ ‘ભક્ત પ્રહલાદ’માં અભિનય કરનારા તેઓ પ્રથમ અભિનેતા બન્યા. ત્યારબાદ તેઓ મુંબઈ છોડી ચેન્નાઈ આવ્યા અને ‘દ્રોહ’ અને ‘ગૃહપ્રવેશમ્’ બે ચિત્રોનું નિર્દેશન કર્યું. તેમાં અભિનય પણ કર્યો. સમય જતાં તેમણે લક્ષ્મી પ્રોડક્શન્સ અને પ્રસાદ પ્રોડક્શન નામની પોતાની નિર્માણ કંપનીઓ શરૂ કરી. ૪૦થી વધુ સફળ ચિત્રોનું નિર્માણ કર્યું. ૧૯૬૫માં તેમણે પ્રસાદ સ્ટુડિયોની સ્થાપના કરી અને ૧૯૭૬માં પ્રસાદ ફિલ્મ લૅબોરેટરી શરૂ કરી, જે એશિયામાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓમાંની એક બની રહી. એલ. વી. પ્રસાદ નેત્ર ચિકિત્સાલય પણ ખૂબ જાણીતી છે. તેલુગુ, તમિળ અને કન્નડ ભાષામાં ઘણાં લોકપ્રિય ચલચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત તેમણે લોકપ્રિય હિંદી ચલચિત્રો બનાવ્યાં તેમાં ‘શારદા’, ‘છોટી બહન’, ‘બેટી બેટે’, ‘હમરાહી’, ‘સસુરાલ’, ‘દાસી’, ‘માં’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘એક દૂજે કે લિયે’, ‘ઉધાર કા સિંદૂર’નો સમાવેશ થાય છે. તેમને ઘણાં બધાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. જેમાં ૧૯૮૨માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક, ૧૯૮૦માં ભારત સરકાર દ્વારા ‘ઉદ્યોગરત્ન’ તથા આંધ્રપ્રદેશનું રઘુપતિ વેન્કૈયા પારિતોષિક વગેરે મુખ્ય છે.
અમલા પરીખ