ચીમનભાઈ સોમાભાઈ પટેલ


જ. ૧૯ જાન્યુઆરી, ૧૯૧૮ અ. ૭ માર્ચ, ૧૯૯૫

ગુજરાતના જાણીતા પત્રકાર અને અગ્રણી અખબાર ‘સંદેશ’ના માલિક ચીમનભાઈનો જન્મ ખેડા જિલ્લાના સારસામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ નોકરી અનુકૂળ ન આવતાં વેપાર-ધંધામાં પડ્યા. સમય જતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં શબ્દરચના સ્પર્ધાઓમાં રસ જાગ્યો, તે સાથે તેમને વર્તમાનપત્રોની અગત્ય સમજાઈ. તેમણે વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કર્યું. પત્રકારત્વનો ખાસ અનુભવ ન હોવા છતાં અખબાર અંગેની માહિતી બારીકાઈપૂર્વક પ્રાપ્ત કરી. સતત ઊંડો અભ્યાસ કરીને પત્રકારત્વ ક્ષેત્રે જરૂરી એવી ઘણી જાણકારી મેળવી. ત્યારબાદ અમદાવાદ આવી ૧૯૫૮માં નંદલાલ ચૂનીલાલ બોડીવાળાનું ‘સંદેશ’ દૈનિક હસ્તગત કર્યું. તે સમયે ‘સંદેશ’ બંધ પડવાની અણી પર હતું. ચીમનભાઈએ સંદેશને પ્રથમ કક્ષાનું પત્ર બનાવવાનો પડકાર ઝીલી લીધો. તેઓ ખૂબ હિંમતવાન, બુદ્ધિશાળી અને કાબેલ વ્યક્તિ હતા. શિસ્તપાલનના આગ્રહી હતા. કાર્યાલયમાં સૌપહેલાં આવે અને સૌથી છેલ્લા જાય. અમદાવાદનાં પત્રોમાં સૌપ્રથમ દૈનિકની સાથે દર રવિવારે વિશેષ વાંચન આપતી સાપ્તાહિક પૂર્તિ તેમણે શરૂ કરી.

ચીમનભાઈએ અનેક પ્રતિષ્ઠિત કટારલેખકોનો સાથ મેળવ્યો. ‘સંદેશ’ને સમાચારો અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું અને કુશળતાપૂર્વક તેનું સંચાલન કર્યું. તેમણે ‘સ્ત્રી’, ‘ધર્મસંદેશ’, ‘બાલસંદેશ’, ‘હેલ્થકેર’, ‘શૅરબજાર ગાઇડ’, ‘પંચાંગ’ વગેરે જેવાં અનેક પ્રકાશનો શરૂ કર્યાં. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા, રાજકોટ વગેરેની આવૃત્તિઓ પણ શરૂ કરી. તેમનાં પત્ની લીલાબહેન અને પુત્ર ફાલ્ગુનભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયાં. ચીમનભાઈના કાર્યક્ષમ વહીવટ, અદ્યતન ટૅકનૉલૉજીનો ઉપયોગ તેમ જ સતત પરિવર્તનશીલ રહેવાની વૃત્તિને કારણે ‘સંદેશ’ પ્રગતિ કરતું રહ્યું અને તેનો બહોળો ફેલાવો થયો. ૭૮ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ