જ. ૨૧ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૧૯ નવેમ્બર, ૨૦૧૫
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણીનિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૪૩માં ભારતીય સિવિલ સર્વિસીસમાં જોડાયા. ૧૪ જુલાઈ, ૧૯૪૩થી તેમણે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર બંને સાથે ૩૬ વર્ષથી વધુની વિશિષ્ટ સેવાઓ આપી. ૧૯૫૩થી ૧૯૭૯ દરમિયાન તેમણે જિલ્લા-મૅજિસ્ટ્રેટ, આઈ.એ.એસ. ટ્રેનિંગ સ્કૂલ, દિલ્હીમાં વાઇસપ્રિન્સિપાલ, ત્યારબાદ રાજ્ય સરકારમાં ડિરેક્ટર, સેક્રેટરી, કમિશનર, ચૅરમૅન જેવા વિવિધ હોદ્દાઓ પર પણ કામ કર્યું. ૧૯૭૮-૭૯માં બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીના કુલપતિ રહ્યા. ૧૯૮૦ના જાન્યુઆરીથી જૂન દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલના સલાહકાર તરીકે કાર્ય કર્યું. તેઓ ૧૯૮૦થી ૧૯૮૨ સુધી ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હતા. ત્યારબાદ જૂન ૧૯૮૨થી ડિસેમ્બર ૧૯૮૫ સુધી ભારતના સાતમા મુખ્ય ચૂંટણીનિયામક તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશનના વાઇસ પ્રેસિડન્ટ અને કુઆલાલંપુર ખાતે એશિયન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનના સલાહકાર પણ હતા. ૧૯૮૬-૯૦ સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ તેમણે લખનૌમાં રામકૃષ્ણ મિશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાથી વિવિધ ક્ષેત્રોમાં આપેલ પ્રદાનને ધ્યાનમાં લેતાં ૧૯૮૬માં ભારત સરકારે તેમને પદ્મભૂષણની ઉપાધિથી પુરસ્કૃત કર્યા હતા.
રાજશ્રી મહાદેવિયા