જ. ૨૨ જાન્યુઆરી, ૧૮૬૯ અ. ૭ એપ્રિલ, ૧૯૪૨
શિક્ષણ, સાહિત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રમાં દેશભરમાં ખ્યાતિ પામનાર આનંદશંકરનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા બાપુભાઈ તથા માતા મણિબા. બાળપણ વડોદરા અને રાજકોટમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સંસ્કૃત શીખ્યા હતા. ૧૮૯૩માં એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પણ કેટલાંક વર્ષો અધ્યાપનકાર્ય કર્યું. ગાંધીજીના સૂચનથી ૧૯૧૯માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. ૧૯૨૦માં હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા અને ૧૯૩૬માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા. ષડ્દર્શનનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.
તેમણે ‘મુમુક્ષુ’ અને ‘હિંદ-હિતચિંતક’ ઉપનામોથી સાહિત્યસર્જન કર્યું હતું. ધર્મચિંતન અને સાહિત્યતત્ત્વચર્ચાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ઉત્કૃષ્ટ કોટિનું હતું. મણિલાલના તેઓ વિશ્વાસુ અને સમાનધર્મા હતા. તેઓ ધર્મની વ્યાખ્યા કરતાં તેનો વિશાળ અર્થ જીવનની સર્વ પ્રવૃત્તિઓને લાગુ પાડવામાં માનતા હતા. તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમ ફિલસૂફી અને સંસ્કૃતિ જેવા વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. વધુમાં તેમણે ધર્મ અને હિંદુ શ્રદ્ધાના સાર પરની ફિલસૂફી આધારિત ચર્ચા કરતા નિબંધો પણ લખ્યા છે. તેમણે ૧૯૦૨માં ‘વસંત’ માસિકની શરૂઆત કરી હતી. ‘વસંત’ દ્વારા તેમણે એક વિશ્વવિદ્યાલયની ગરજ સારે તેવું વિદ્યા અને સંસ્કારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરેલો. તેઓ ‘સુદર્શન’ના તંત્રીપદે પણ રહ્યા હતા. તેઓ ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલૉસૉફિકલ કૉંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. ૧૯૩૬માં સર્વધર્મ પરિષદના પ્રમુખ બન્યા હતા. ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી (ભાગ ૧-૨), ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’, ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’ તેમના સાહિત્ય અને ધર્મને લગતા મહત્ત્વના ગ્રંથો છે.
અમલા પરીખ