સામાન્ય રીતે દરિયામાં પાણીની સપાટી નીચે લાંબો સમય પ્રવાસ કરી શકે તેવી યાંત્રિક નૌકા.
સબમરીન પાણીની સપાટી ઉપર તેમ જ પાણીની સપાટી હેઠળ પણ ચાલી શકે છે. સબમરીન જેવા વાહનની શોધ ૧૭મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ ૧૯મી સદીમાં બે અમેરિકન સંશોધકો જૉન. પી. હૉલંડ અને સાયમન લેકને સબમરીન બાંધવામાં સફળતા મળી. તેમાં આંતરદહન એન્જિનો અને બૅટરીનો સહિયારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સબમરીનોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. અનેક ઉતારુ-જહાજો તથા લશ્કરી જહાજોને ડુબાડી દઈ આ સબમરીનોએ આતંક મચાવ્યો હતો.
સબમરીન જહાજના આકારની મોટી હવાચુસ્ત પેટી જેવી હોય છે. દરિયાના તળિયે પાણીનું પ્રચંડ દબાણ સહન કરવા માટે તેની સપાટી ધાતુની બનેલી મજબૂત હોય છે. સબમરીન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી કે અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર-ઊર્જા)થી ચાલે છે. તેમાં હવા ભરેલી ખાલી ચેમ્બરો હોય છે. આ ચેમ્બરો ખાલી હોય ત્યારે તે સપાટી પર રહે છે. આ ચેમ્બરોમાં પાણી ભરાય ત્યારે તેનું વજન વધે છે અને પાણીમાં નીચે જતી રહે છે. માછલીની ઝાલર જેવા તેના ‘હાઇડ્રૉપ્લેઇન્સ’ સબમરીન ડૂબે કે ઉપર આવે ત્યારે તેનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. સબમરીન હજારો નાના-મોટા પુરજાઓનું બનેલું અતિ સંકુલ વાહન છે. તેની રચના અને કામગીરી અટપટી હોય છે. અણુશક્તિ-સંચાલિત સબમરીન તો પાણીની સપાટી પર આવ્યા વિના નીચે રહીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સબમરીનનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં થાય છે. દરિયાના તળિયે સંશોધનો કરવા માટે પણ તે ઉપયોગી છે. આધુનિક સબમરીનો મહાવિનાશક અણુ-પ્રક્ષેપાસ્ત્રોથી સજ્જ હોય છે. આ સબમરીનો દિશા નક્કી કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. સબમરીનને ઘણા લોકો ‘પાતાળપરી’ તરીકે ઓળખે છે. જોકે આ પરી એક એવું ઘાતક વાહન છે, જે દુશ્મન માટે ભયાનક દુ:સ્વપ્ન લાવી શકે. મહિના– બે મહિના સુધી અંધારિયા દરિયે લપાતી-છુપાતી, એક જ ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલી સબમરીનની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. જોકે આવી સબમરીન એની આસપાસ કે ઉપરના પાણીમાંથી પસાર થતાં જહાજોના સગડ બરાબર પારખી શકે છે. વિશ્વના વિકસિત દેશો પાસે જે સબમરીનો છે તેમની સરખામણીમાં ભારત પાસેની સબમરીનોની સંખ્યા, તેમનું કદ અને સંહારક શક્તિ વામણાં જ લાગે. જોકે ૨૦૧૨માં ભારતે રશિયા પાસેથી નવી ન્યૂક્લિયર સબમરીન ‘ચક્ર’ મેળવી છે. વળી સ્વદેશી બનાવટની એક ન્યૂક્લિયર સબમરીન ‘અરિહંત’ પણ તૈયાર થઈ ગઈ છે, જે પરંપરાગત સબમરીન કરતાં લાંબો સમય પાણીમાં રહી શકે છે. આમ ભારતના વિશાળ સાગરકિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ-સબમરીનો નૌકાદળના કાફલામાં જોડાઈ છે. દુનિયાના કોઈ પણ સંરક્ષણદળમાં સૌથી છૂપી ખુફિયા કામગીરી સબમરીન બજાવે છે. દુશ્મન જહાજો કે એમના જાસૂસી ઉપગ્રહોની નજરથી બચવા દિવસો સુધી ઊંડા પાણીમાં રહેતી અને દેશની જળસીમાનું ધ્યાન રાખતી આ સબમરીનોમાં ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સબમરીન, પૃ. ૧૬)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
શુભ્રા દેસાઈ