અલવર આલ્ટો


જ. ૩ ફેબ્રુઆરી, ૧૮૯૮ અ. ૧૧ મે, ૧૯૭૬

હ્યુગો અલવર હેનરિક આલ્ટો ફિનિશ આર્કિટૅક્ટ અને ડિઝાઇનર હતા. તેમના પિતા જ્હૉન હેનરિક આલ્ટો ફિનિશભાષી જમીન સર્વેયર હતા અને તેમનાં માતા સેલમા માટિલ્ડા ‘સેમી’ સ્વીડિશભાષી પોસ્ટમિસ્ટ્રેસ હતાં. તેમણે હેલસિંકી યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજીમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો હતો. તેમની પ્રારંભિક કારકિર્દી ૨૦મી સદીના પહેલા ભાગમાં ફિનલૅન્ડના ઝડપી, આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણ સાથે સમાંતર ચાલી હતી. ૧૯૨૧માં સ્નાતક થયા બાદ ૧૯૨૨માં તેમણે લશ્કરની સેવા શરૂ કરી અને ૧૯૨૩માં તેમને સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમણે ‘અલવર આલ્ટો આર્કિટૅક્ટ અને મોન્યુમેન્ટલ આર્ટિસ્ટ’ નામની એક આર્કિટૅક્ચરલ ઑફિસ ખોલી હતી. આ સિવાય તેમણે રીમસ ઉપનામ રાખીને ‘જયવસ્કીલા’ અખબાર માટે લેખો લખ્યા હતા. સાથોસાથ સંખ્યાબંધ નાના સિંગલ-ફૅમિલી હાઉસ ડિઝાઇન કર્યા હતા. અલવર આલ્ટોએ ફિનલૅન્ડ અને વિદેશમાં પ્રતિષ્ઠિત રાજ્યની જાહેર ઇમારતો માટે અનેક સ્થાપત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વ્યાવસાયિક જર્નલોમાં લખાયેલા લેખ ઉપરાંત તેમના સૌથી જાણીતા નિબંધોમાં ‘અર્બન કલ્ચર’ (૧૯૨૪), ‘જેવાસ્કીલા રિજ પર મંદિર સ્નાન’ (૧૯૨૫), ‘એબ્બે કોઈનાર્ડનો ઉપદેશ’ (૧૯૨૫) અને ‘દરવાજાથી લિવિંગ રૂમ સુધી’(૧૯૨૬)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણોમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે. ૧૯૩૮માં ન્યૂયૉર્કમાં MOMA ખાતે તેમની કૃતિઓનું પ્રદર્શન યોજવાના આમંત્રણને પગલે અમેરિકામાં તેમની પ્રતિષ્ઠા ખૂબ વધી હતી. જેના લીધે પાછળથી ૧૨ શહેરોમાં તેમનું પ્રદર્શન યોજાયું હતું. ૧૯૪૧માં તેમને અમેરિકામાં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં મુલાકાતી અધ્યાપક તરીકે આમંત્રણ મળ્યું હતું. ૧૯૫૦ના દાયકામાં તેઓ શિલ્પ બનાવવા માટે લાકડાં, કાંસ્ય, આરસ અને મિશ્ર માધ્યમોની શોધખોળમાં વ્યસ્ત રહ્યા હતા. આ સમયગાળાની નોંધપાત્ર કૃતિઓમાં તેમનું ૧૯૬૦નું સુઓમુસ્સલમી યુદ્ધનું સ્મારક છે. આલ્ટોને મળેલા પુરસ્કારોમાં ૧૯૫૪માં પ્રિન્સ યુજેન મેડલ, ૧૯૫૭માં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટૅક્ટ્સ તરફથી રૉયલ ગોલ્ડ મેડલ મોખરે છે. ૧૯૬૦માં તેમણે નૉર્વેજિયન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી (NTNU) ખાતે માનદ ડૉક્ટરેટ પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી