પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ


સામાન્ય ========================

કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે. એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે. જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણ-આવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે. આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉચ્છ્રંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.

કુમારપાળ દેસાઈ