અચ્યુત સીતારામ પટવર્ધન


જ. ૫ ફેબ્રુઆરી, ૧૯૦૫ અ. ૫ ઑગસ્ટ, ૧૯૯૨

સતારાના સિંહ તરીકે પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા અને તત્વચિંતક અચ્યુત પટવર્ધનનો જન્મ અહમદનગરમાં થયો હતો. તેમના પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગરમાં વકીલ હતા. અચ્યુત પટવર્ધન જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહમદનગર ખાતે લીધું. ત્યારબાદ બનારસની સેન્ટ્રલ હિંદુ કૉલેજમાંથી અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આ પછી તેમણે એની બેસન્ટે સ્થાપેલી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૩૨ સુધી તેમણે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. ઇંગ્લૅન્ડ અને અન્ય યુરોપિયન દેશોની મુલાકાત દરમિયાન તેઓ સમાજવાદી નેતાઓ અને વિદ્વાનોના સંપર્કમાં આવ્યા. ૧૯૩૨માં મહાત્મા ગાંધીજી પ્રેરિત અને સંચાલિત સવિનય કાનૂનભંગની લડતમાં જોડાયા. તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો. ૧૯૩૪માં કૉંગ્રેસની સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૩૬માં કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેમણે સમાજવાદી પ્રવૃત્તિઓ માટે અનેક શિબિરો યોજી. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૪૫-૪૬માં તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. સતારા જિલ્લામાં ચાલતી સમાંતર સરકારના તેઓ અગ્રણી નેતા હતા. ત્રાસવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં સમાંતર સરકાર રચવામાં આવી હતી. અચ્યુત પટવર્ધને આંદોલનમાં સામેલ કાર્યકરો માટે ખાવાનું તૈયાર કરવાનું, કપડાં ધોવાનું વગેરે વ્યક્તિગત કાર્યો પણ કર્યાં. તે પછી તેમણે સમાંતર સરકારની પ્રવૃત્તિઓમાં નેતાની ભૂમિકા ભજવી અને સતારા જિલ્લામાં બે વર્ષ માટે લોકશાસનની સ્થાપના કરી. ૧૯૪૭માં કૉંગ્રેસથી અલગ થઈને તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૫૦માં તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. ત્યાર બાદ સેન્ટ્રલ હિંદુ કૉલેજ, બનારસમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમણે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમના હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં વ્યક્ત થયેલા વિચારો તાર્કિક અને અસરકારક હતા. અશોક મહેતા સાથેનું તેમનું પ્રકાશન
‘ધ કૉમ્યુનલ ટ્રાયંગલ ઑવ્ ઇન્ડિયા’ જાણીતું છે.

શુભ્રા દેસાઈ