મોટરની એક ફૅક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મોટરના પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જાણકારી હતી. બધા મિકૅનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકૅનિક ગણાતો હતો. મોટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકૅનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપૅર કરીને મોટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે જ કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફૅક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યાં અને કહ્યું, ‘અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.’ ફૅક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, ‘જો આ રીતે મોડા જ આવવું હોય તો ફૅક્ટરીના કારીગર નહીં, પણ ફૅક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાચવવો જોઈએ.’ માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફૅક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફૅક્ટરી ઊભી કરી અને પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું.
કુમારપાળ દેસાઈ