પોતાના અનુભવો પાસેથી કશી


કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ