પૃથ્વીની સપાટી પર રહેલો ખારા પાણીનો વિશાળ રાશિ. ખારા પાણીનો આ વિસ્તાર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વી પર ૭૧% વિસ્તાર સમુદ્રો કે સાગરો તથા મહાસાગરોનો છે, બાકીનો ૨૯% જેટલો વિસ્તાર ભૂભાગવાળો – ભૂમિખંડોનો બનેલો છે. સમુદ્રોની ઉત્પત્તિ કેટલા સમય પહેલાં થઈ તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ગરમ ધગધગતા વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે અનેક વાયુઓ ઉત્પન્ન થયા. ધીમે ધીમે તેમાંની વરાળ ઠરીને વાદળ બંધાયાં. છેવટે મુશળધાર પડતા વરસાદથી પૃથ્વી પરના નાનામોટા ગર્ત ભરાતા ગયા. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતો રહ્યો અને સમુદ્રો બનતા રહ્યા. તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ, ગંધક (સલ્ફર), નાઇટ્રોજન અને બીજાં રસાયણો બળવાથી સમુદ્રોનું પાણી ક્ષારવાળું બન્યું. વળી જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોથી અને ખડકોનું ખવાણ થવાથી, વરસાદના પાણીથી સમુદ્રના જળનું સ્તર ઊંચું વધવા માંડ્યું.

મહાસાગરોના પેટાવિભાગોમાં સમુદ્ર, સામુદ્રધુની, અખાત, ઉપસાગર, ખાડી વગેરેનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર, જાપાન સમુદ્ર, બંગાળની ખાડી, ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે સમુદ્રના પેટાવિભાગોનાં નામ ભૌગોલિક પ્રદેશો પરથી પાડવામાં આવ્યાં છે. કેટલાક સમુદ્રોનાં નામ તેમના સંશોધકોના નામ પરથી પણ પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅફિન, વેન્ડેલ, બૅરેન્ટ્સ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તે પ્રશાંત મહાસાગર કહેવાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત રંગની લીલ હોવાને કારણે પાણી લાલ રંગનું દેખાય છે, તેથી તેને રાતો સમુદ્ર કહે છે. કેટલાક સમુદ્રમાં કાળા રંગની માટી ભળેલી હોવાથી કાળો સમુદ્ર કહેવાય છે. કેટલાકમાં પીળી માટી ભળેલી હોવાથી પીળો સમુદ્ર કહેવાય છે. સરગાસો તરીકે ઓળખાતો સમુદ્ર સરગાસમ નામની બદામી-હરિત લીલથી ભરેલો છે, જોકે સૂર્યની ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું વિખેરણ થતાં સામાન્ય રીતે સમુદ્રનાં પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની જળસપાટી પર પવનોની અસરથી મોજાં ઉદભવે છે. મોજાંની ગતિ ઝડપી હોય છે. આવાં મોજાં ઊછળે છે અને પાછાં નીચે પડે છે. સપાટીથી ઊંડાઈ તરફ જતાં મોજાંનું કદ ઘટતું જાય છે. સમુદ્ર-જળમાં મોટા પાયા પરની વધતી જતી જળ-સપાટીને ભરતી કહેવાય છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે ત્યારે પેદા થતા વિશેષ ગુરુત્વાકર્ષણ બળથી ભરતી ઉદભવતી હોય છે. આ ભરતીને મોટી ભરતી કહે છે. સામાન્ય રીતે ભરતી દર બાર કલાકે આવે છે. ભરતી-ઓટને લીધે સમુદ્રમાં પાણીની સપાટી વધે છે અને ઘટે છે. જેમ ધરતી પર ભૂકંપ થાય છે તેમ સમુદ્રમાં પણ ભૂકંપ થાય છે, પરંતુ સમુદ્રને તળિયે થતા ભૂકંપની અસર તો કોઈક જ વખત થાય છે અને તે પણ કાંઠા પર જ. સમુદ્રને તળિયે જ્યારે ભૂકંપ થાય ત્યારે તેના આઘાતથી પાણીમાં મોજાં ઉત્પન્ન થાય છે. મધદરિયે આ મોજાં ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ કાંઠા પાસે પહોંચતાં તે ઊંચકાય છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સમુદ્ર, પૃ. ૨૮)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
શુભ્રા દેસાઈ