: દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે દીર્ઘરોમી હોય છે. તેનાં પર્ણો મોટે ભાગે સાદાં, અથવા કેટલીક વાર ત્રિપંજાકાર (trifoliate) હોય છે. નીચેની બે પર્ણિકાઓ નાની અથવા સૂક્ષ્મ કર્ણાકાર (auriculate) હોય છે અથવા તે ગેરહાજર હોય છે. પુષ્પો સફેદ, મીઠી સુવાસવાળાં, સંયુક્ત રોમિલ અક્ષ પર દ્વિશાખી (biparous) પરિચિત સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ ૫-૮ ઉપવલયી (elliptic) દલપત્રોનો બનેલો હોય છે. જૂઈનું વાવેતર સમગ્ર ભારતમાં થતું હોવા છતાં તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

જૂઈની પુષ્પ સહિતની શાખા
તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા નવેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવે છે. પુષ્પનિર્માણ ચોમાસામાં ઑગસ્ટની શરૂઆતમાં થાય છે. પુષ્પ નાનાં અને વજનમાં હલકાં (૨૬,૦૦૦ પુષ્પો/કિગ્રા.) હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ૯૧-૧૮૫ કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. જૂઈ કજ્જલી ફૂગ(sooty mould)થી સંવેદી છે. આ રોગ Meliola jasminicola દ્વારા થાય છે. જૂઈનાં પુષ્પોનો ઉપયોગ પૂજામાં અને ગજરા, વેણી કે હાર બનાવવામાં તથા સુગંધિત કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. તેના ઉત્પાદનની પદ્ધતિઓ જાઈમાં દર્શાવ્યા મુજબની છે. તેનું અત્તર ઘેરા લાલ રંગનું, સુગંધ તાજાં પુષ્પો જેવી તથા જૅસ્મિનમની બીજી જાતિઓ કરતાં વધારે આનંદદાયી હોય છે. તે ઍસ્ટર (બેન્ઝાઇલ એસિટેટ તરીકે), ૩૫.૭%, આલ્કોહૉલ (લિનેલૂલ તરીકે) ૪૩.૮૧%, ઇન્ડોલ ૨.૮૨% અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ૬.૧% ધરાવે છે. જૂઈ બે પ્રકારની થાય છે : સફેદ પુષ્પોવાળી (યૂથિકા) અને પીળાં પુષ્પોવાળી (હેમયૂથિકા). આ ઉપરાંત, શ્રીપદેજીએ નિઘંટુમાં નીલા રંગની (નીલયૂથિકા) અને મેચક રંગની (મેચક યૂથિકા) જૂઈ વર્ણવી છે. આયુર્વેદ અનુસાર જૂઈ કડવી, શીતળ, લઘુ, સ્વાદુ, તીખી, હૃદ્ય, મધુર, તૂટી અને સુગંધી હોય છે. તે વાયુ તથા કફ કરનારી અને પિત્ત, તૃષા, દાહ, ત્વગ્દોષ, મૂત્રાશ્મરી, દંતરોગ, વ્રણ, શિરોરોગ, સુખરોગ, નવજ્વર અને વિષનો નાશ કરે છે.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
બળદેવભાઈ પટેલ