જગત જાકારો આપે ત્યારે મૈત્રી


માત્ર આવકારો આપે ==============================

મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી. સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોનું મુક્ત આદાનપ્રદાન આવશ્યક છે. મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુ:ખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે. ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકારો આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.

કુમારપાળ દેસાઈ