જ. ૧૬ ફેબ્રુઆરી, ૧૭૪૫ અ. ૧૮ નવેમ્બર, ૧૭૭૨

પેશ્વા બાલાજી બાજીરાવના વચેટ પુત્ર માધવરાવ મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા હતા. તેઓને રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ સાથે લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન ન હતું, આથી તેમના અનુગામી તરીકે નાના ભાઈ નારાયણરાવને તેઓએ પસંદ કર્યા હતા. તેમનાં માતા ગોપિકાબાઈએ માધવરાવને રાજકારભાર અને નીતિનિયમો સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. પિતાનું મૃત્યુ થતાં માત્ર ૧૬ વર્ષની વયે માધવરાવે વહીવટ સંભાળ્યો હતો. ૧૭૬૧માં નિઝામઅલી સાથે પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પેશ્વા માધવરાવે સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતની બદીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપી હતી. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ કર્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કર્યા. ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું. પેશ્વા માધવરાવ ઉત્તમ ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ ધરાવતા હતા. પ્રજાનું વધુ કલ્યાણ થાય તે જોવાની તેમની તમન્ના હતી. ૧૧ વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિખાલસતાથી ફરજો અને જવાબદારી તેઓએ અદા કરી. સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં વ્યસ્ત હોવાથી તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો, ૨૭ વર્ષની વયે માધવરાવની તબિયત બગડી. મૃત્યુ પહેલાં હૈદરની શરણાગતિની વાત તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર સાંભળી શાંતિથી પ્રાણ છોડ્યો.
અંજના ભગવતી