હરસિદ્ધભાઈ દિવેટિયા


જ. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૬ અ. ૩ ઑગસ્ટ, ૧૯૬૮

ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે રહી ચૂકેલા હરસિદ્ધભાઈ દિવેટિયાનો જન્મ અમદાવાદના વડનગરા નાગર પરિવારમાં થયો હતો. તેમના પિતામહ છોટાભાઈ પર્શિયન ભાષાના ઊંડા અભ્યાસી હતા. તેમના પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ હતા. તેમનો સમસ્ત પરિવાર પોરબંદર પાસે આવેલા હરસિદ્ધ માતાજીની ભક્તિના રંગે રંગાયેલો હોવાથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું હતું. હરસિદ્ધભાઈ દિવેટિયાએ ગુજરાત કૉલેજમાં ભણીને ૧૯૦૬માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૦૮માં તેઓએ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન સાથે અને ૧૯૦૯માં તેઓએ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૦થી ૧૯૧૨ સુધી સંયુક્ત પ્રાંત(યુ.પી.)ની બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૧૨થી ૧૯૩૩ સુધી મુંબઈની વડી અદાલતમાં પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. ૧૯૩૩થી ૧૯૪૬ દરમિયાન તેઓએ મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૧૯૪૯થી ૧૯૫૭ દરમિયાન પ્રથમ કુલપતિ તરીકે દિવેટિયાસાહેબે પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજીને બદલે માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલ વિશાળ પુસ્તકાલય, બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન તેમજ વિદ્યાર્થીકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં થઈ હતી. હરસિદ્ધભાઈ પાસેથી આપણને ‘મનોવિજ્ઞાન’, ‘લેખસંચય’ અને ‘નરિંસહ અને મીરાંનાં ભજનો’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘What Life Has Taught Me’ એ એમનો સ્વતંત્ર અભ્યાસલેખ છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ અને ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષનો હોદ્દો પણ તેમણે શોભાવ્યો હતો.

અશ્વિન આણદાણી