અનુકરણ એટલે અંત


વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બૉબ હૉપ (૧૯૦૩-૨૦૦૩) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત-સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું. બૉબ હૉપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે ‘ચાર્લી ચૅપ્લિન અનુકરણ સ્પર્ધા’માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા. આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચૅપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં. વિલ રોગર્સ સરકસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘુમાવવામાં માહેર હતા. એક વાર અચાનક બૉબ હૉપને પોતાનામાં છુપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો. એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઊભી થઈ. આ મૌલિકતાએ બૉબ હૉપ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. બૉબ હૉપે પોતાની ‘ડાહ્યા-ગાંડા’ જેવી જુદી જ ઇમેજ ઊભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બૉબ હૉપ બની રહ્યા. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોનાં હૃદય જીતી લીધાં. જો એમણે માત્ર ચાર્લી ચૅપ્લિનના અભિનયનું અનુકરણ કરવાનું ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મમાં એ એની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.

કુમારપાળ દેસાઈ