બળવંતરાય મહેતા


જ. ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ અ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫

ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતમાં પંચાયતી રાજના પિતામહ તરીકે જાણીતા બળવંતરાય ગોપાળજી મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૧૬માં મૅટ્રિક થયા. ત્યારબાદ ૧૯૨૦માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી, પરંતુ અસહકારની ચળવળ ચાલતી હોવાથી ડિગ્રી લીધી નહીં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અર્થશાસ્ત્ર-વિશારદ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ અહિંસા અને સાદગીમય જીવન જેવા ગુણો અપનાવ્યા. ૧૯૨૦થી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેઓ મહિલા- ઉત્કર્ષ, હરિજનકલ્યાણ, કુદરતી આપત્તિ સમયનાં રાહતકાર્યો વગેરે માટે તત્પર રહેતા. ૧૯૨૭માં તેમણે ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. ૧૯૨૧માં ગુજરાતી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ની સંપાદક સમિતિમાં જોડાઈને તેમણે દેશી રાજ્યોના લોકોનો અવાજ ચોમેર પહોંચાડ્યો. ૧૯૨૩માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તેમણે નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ વગેરેમાં સક્રિય ભાગ લીધો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. તેમણે બધું મળીને કુલ સાત વર્ષની સજા ભોગવી. ૧૯૪૨ના જેલજીવન દરમિયાન તેમણે મેડમ ક્યૂરીના જીવનચરિત્રનો અનુવાદ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી તરીકે ૧૯૩૧થી ૧૯૪૭ સુધી સેવાઓ આપી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણસભામાં ચૂંટાઈને ૧૯૫૦ સુધી કાર્યરત રહ્યા. જાન્યુઆરી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા. તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો અહેવાલ તૈયાર કર્યો. તેઓ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. ૧૯૫૦-૫૨માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાભાવના તથા નિષ્ઠા માટે નામના પામ્યા. સપ્ટેમ્બર, ૧૯૬૩માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તેઓ કાર્યરત હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરહદના વિસ્તારમાં દુર્ભાગ્યવશ તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું  અને તેમનું તથા તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ