છગનભાઈ જાદવ


જ. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૨ એપ્રિલ, ૧૯૮૭

ગુજરાતના આધુનિક ચિત્રકાર, કલા-વિશ્વને અધ્યાત્મની અનુભૂતિભર્યાં કલાસર્જનો આપનાર આ કલાકારનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. એકવીસ વર્ષની તેઓની વય હતી ત્યારે તેમનાં પત્ની તથા બાળક અવસાન પામ્યાં. ત્યારબાદ જીવનપર્યંત તેઓ એકલા જ રહ્યા. પોતાનું જીવન કલાને સમર્પિત કરી દીધું. સૌપ્રથમ કનુ દેસાઈ પાસે ત્યારબાદ રવિશંકર રાવળ પાસે કલાની દીક્ષા લીધી. ઇંદોર તથા લખનૌ જઈને પણ શિક્ષણ લીધું. ત્યાં કલાગુરુ બેન્દ્રે પાસેથી પણ લૅન્ડસ્કેપ શીખ્યા. છગનભાઈ ૨૬ વર્ષની વયે રવિશંકરના કળા-વિદ્યાર્થી બન્યા. ઇંદોરની આર્ટ સ્કૂલમાં છગનલાલને નારાયણ શ્રીધર બેન્દ્રે સાથે દોસ્તી થઈ, તેમની સાથે કાશ્મીરમાં પરિભ્રમણ કર્યું. કાશ્મીરનાં નિસર્ગ ચિત્રો કર્યાં. ત્યારબાદ તેઓ લખનૌની આર્ટસ્કૂલના વિદ્યાર્થી બન્યા અને તેમની કળા પરિપક્વ થઈ. લખનૌથી પાછા ફરીને છગનભાઈએ ઘણાં ઉત્તમ ચિત્રો સર્જ્યાં. બૉમ્બે આર્ટ સોસાયટીની હરીફાઈમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે અને મુંબઈના ગવર્નરનું પણ ઇનામ તેમને મળ્યું. ૧૯૩૦માં દાંડીકૂચના, ગાંધીજીના સ્કૅચીઝ કર્યા. ૧૯૬૫ પછી થોડાં વર્ષો તેઓ ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીના ઉપાધ્યક્ષપદે રહ્યા. ૧૯૪૪માં છગનભાઈ ફરીથી હિમાલયની લાંબી યાત્રાએ ગયા અને ત્યાંનાં દૃશ્યોનાં ચિત્રો દોર્યાં. ચિત્રો દોરતાં તેમની અધ્યાત્મસાધના પણ વધતી ગઈ. ગુજરાત લલિતકળા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ વડે ૧૯૬૮માં છગનલાલ જાદવનું બહુમાન કરેલું. તેમનું અવસાન અમદાવાદમાં થયું હતું.

અંજના ભગવતી