જૂનાગઢ


ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. ૨૦° ૪૪´ અને ૨૧° ૪´ ઉ.અ. તથા ૬૯° ૪૦´ અને ૭૧° ૦૫´ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : ૮૮૪૬ ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જિલ્લાના બે વિભાગો છે : ડુંગરાળ વનવિસ્તાર અને સપાટ મેદાન. પ્રથમ ભાગમાં ગિરનાર, ગીર અને બરડાનો ડુંગરાળ પ્રદેશ છે. બીજો ભાગ દરિયાકાંઠાનાં મેદાનો છે. આ મેદાનો પૈકી માંગરોળથી ઊના સુધીનો ભાગ વનરાજિને લીધે ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે.

સિંહોનું અભયારણ્ય, ગીર

આ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. તેની સૌથી વધુ ઊંચાઈ ગોરખનાથના શિખરની ૧૧૧૭.૪૦ મી. છે. તેનાં અંબામાતા, ઓઘડ, ગુરુદત્ત, કાળકા વગેરે શિખરો ૧૦૦૦ મી.થી વધુ ઊંચાં છે. ગીરના ડુંગરાળ પ્રદેશની નાંદીવેલા અને તુલસીશ્યામની ડુંગરમાળાઓ જાણીતી છે. ગીરનું સૌથી ઊંચું શિખર સાકરલા ૬૪૧.૬૦ મી. છે. ગીરની લંબાઈ ૪૮.૨૮ કિમી. છે. જૂનાગઢ જિલ્લામાં મે અને જૂન માસમાં સૌથી વધુ તાપમાન રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રની અસરને લીધે સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન ૩૦.૩° સે. રહે છે, જ્યારે તેનું સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન ૨૭.૫° સે. રહે છે. જિલ્લામાં સરેરાશ ૬૨૯.૧ મિમી. વરસાદ પડે છે. જિલ્લામાં થતાં જંગલી પ્રાણીઓ પૈકી વાંદરાં, દીપડા, સિંહ, શિયાળ, વરુ, લોંકડી, રોઝ (નીલગાય), જંગલી ભુંડ, છીંકારાં, હરણ વગેરે છે. છેલ્લી(૨૦૨૦)ની ગણતરી મુજબ ગીરમાં સિંહની વસ્તી ૬૭૪ છે. સિંહોનું અભયારણ્ય આ જિલ્લામાં ગીરમાં આવેલું છે. જિલ્લાની ગીર ઓલાદની ગાય અને બળદ પ્રસિદ્ધ છે. જૂનાગઢમાં ઘોડાનું ઉછેરકેન્દ્ર છે. જૂનાગઢ જિલ્લાની કુલ વસ્તી ૩૦,૯૦,૦૦૦ (૨૦૨૪) છે. શહેરી વસ્તીનું પ્રમાણ ૩૩% છે. જિલ્લાના ૭૦% લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખેતી સાથે પશુપાલનનો ગૌણ ઉદ્યોગ છે. પુરાતત્ત્વની તથા તીર્થધામોની દૃષ્ટિએ જૂનાગઢ, ગિરનાર, સતાધાર, સોમનાથ, પ્રભાસ, તુલસીશ્યામ વગેરે જોવાલાયક છે. ગિરનાર અને જૂનાગઢ ખાતે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો એક જ પથ્થર ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરકોટ ખાતે બાવા પ્યારા તથા ખાપરાકોડિયાની ગુફાઓ, બોરિયા સ્તૂપ, વિલિંગ્ડન બંધ, જૈન મંદિરો, હવેલી, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ વગેરે પ્રાચીન સ્થળો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં ગિરનાર ઉપર ભવનાથનો મેળો ભરાય છે. સોમનાથ, સૂત્રાપાડા વગેરે સ્થળોએ પ્રાચીન સ્થાપત્યો જોવા મળે છે. નવાબનો મહેલ તથા સંગ્રહસ્થાન, મુસ્લિમકાલીન મસ્જિદ, મકબરા વગેરે પ્રેક્ષણીય છે. ગીરમાં સાસણ ખાતેના અભયારણ્યમાં સિંહદર્શનની સગવડ છે. અહમદપુર માંડવી અને ચોરવાડ પ્રવાસધામો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જૂનાગઢ, પૃ. ૮૮૧)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંભુપ્રસાદ દેસાઈ, શિવપ્રસાદ રાજગોર