મનમોહન દેસાઈ


જ. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૭ અ. ૧ માર્ચ, ૧૯૯૪

મનોરંજનના મહારથી ગણાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા હતા. ચલચિત્રજગતમાં તેઓ ‘મનજી’ તરીકે ઓળખાતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવાર ઉપર ભારે આર્થિક સંકટ આવી પડ્યું. સ્ટુડિયોની દેખરેખ રાખનારું કોઈ હતું નહિ અને પૈસાના અભાવે સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને તેઓ સ્નાતક થયેલા, પરંતુ મનમાં દિગ્દર્શક બનવાનો કીડો સળવળતો હતો તેથી દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને નિર્દેશનની જવાબદારી યુવાન મનમોહનને સોંપી તેમને આગળ વધવાની તક પૂરી પાડી. ‘છલિયા’ની પટકથા મનમોહને પોતે લખી હતી અને રાજ કપૂર, નૂતન, પ્રાણ જેવા નામી કલાકારોને સફળતાપૂર્વક નિર્દેશિત કરી પોતાનું કસબ બતાવી આપ્યું.

૧૯૭૭માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરી. મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય – એમ કહી એમની ટીકા કરાતી. પણ તેઓ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. મોટા ભાગે તેમની બધી જ ફિલ્મો સફળ રહેતી અને પ્રેક્ષકોનો આવકાર પામતી.

૨૮ વર્ષની કારકિર્દીમાં ૨૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને ૧૬ સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. તેમની ફિલ્મો હંમેશાં પરિવાર સાથે બેસીને જોઈ શકતો. ૧૯૮૯માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ ફિલ્મ નિષ્ફળ જતાં તેમણે નિવૃત્તિ લઈ લીધી.

તેમનાં સફળ ચલચિત્રોમાં ‘સચ્ચાજૂઠા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’, ‘પરવરિશ’, ‘ધરમવીર’, ‘અમર અકબર ઍન્થની’, ‘સુહાગ’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ