તુલના કરવી એટલે દુ:ખને નિમંત્રણ આપવું


વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતી હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણ રૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરે ધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિષ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ એને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના નિ:સાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખારો બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય, પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.

કુમારપાળ દેસાઈ