સરીસૃપ પ્રાણીઓ


પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈને ચાલતો એક વર્ગ.

 કાચબો

આ પ્રાણીઓ ભીંગડાંવાળી સૂકી ચામડી ધરાવે છે. ફેફસાં વડે શ્વાસ લે છે. કાચબો, કાચિંડો, ગરોળી, મગર, સાપ, ઘો, અજગર વગેરે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ છે. આશરે ૬,૦૦૦ જુદી જુદી જાતિનાં સરીસૃપ પ્રાણીઓ છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : તેઓ પૃષ્ઠવંશી છે, કરોડસ્તંભ ધરાવે છે. તેઓ ફેફસાં વડે શ્વાસ લે છે. મોટા ભાગનાં સરીસૃપો ઈંડાં મૂકે છે, કેટલાંક બચ્ચાને જન્મ આપે છે. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. પાણીમાં રહેતાં સરીસૃપો પણ જમીન પર આવીને ઈંડાં મૂકે છે. આ પ્રાણીઓ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે, પણ વિશેષ કરીને ઉષ્ણપ્રદેશોમાં સવિશેષ. તેઓ ઍન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં તથા બધા સમુદ્રોમાં વસે છે. તેઓ રણમાં, જંગલમાં, જમીનની અંદર તથા દરિયા કે અન્ય જળાશયના પાણીમાં પણ વસે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરી શકતાં નથી, તેથી ઉષ્ણપ્રદેશમાં તેઓ પથ્થરની નીચે કે છાંયડામાં રહે છે. તેમને પર્યાવરણ પર આધાર રાખવો પડે છે. અતિ ઉષ્ણપ્રદેશમાં તેઓ રાત્રે જ બહાર નીકળે છે. ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ શીતનિદ્રા (hibernation) લઈ લે છે. આમ અતિશય ઠંડી અને ગરમીથી બચવાનો તેમનો પ્રયત્ન હોય છે.

મગર

તેઓના કદમાં પણ મહાકાય અજગર, મગરથી માંડી નાની અમથી ગરોળીઓનો પણ સમાવેશ થાય છે. સરીસૃપવર્ગમાં સૌથી મોટામાં મોટું પ્રાણી છે એનાકોન્ડા સાપ(દક્ષિણ અમેરિકા). એશિયા ખંડમાં મહાકાય અજગર (૧૦ મીટર) તથા મહાકાય મગર (૭ મીટર લાંબા) મળે છે. આ વર્ગનાં સૌથી વજનદાર પ્રાણીઓ કાચબાઓમાં મળે છે. અમુક પ્રકારના કાચબા ૧ ટન સુધીનું વજન ધરાવે છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કેટલાંક ખૂબ લાંબું જીવે છે. ઘણા કાચબા લગભગ ૧૦૦ વર્ષ જીવે છે. માદા પોતાનાં ઈંડાં જમીનમાં ખાડો ખોદીને અથવા પાંદડાંના ઢગલામાં મૂકે છે. જ્યાં સૂર્યની ગરમી કે સડતાં પાંદડાંની ગરમીથી ઈંડાં સેવાય છે. આ વર્ગનાં પ્રાણીઓ ઈંડાં કે બચ્ચાંની કાળજી નહીંવત્ લે છે. મોટા ભાગે તેઓ વધારે સંખ્યામાં ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મે ત્યારે તેમનાં મા-બાપ જેવાં લાગે છે અને જન્મ થતાં જ સ્વતંત્ર રીતે રહી શકે તેવાં તે હોય છે. સરીસૃપો પોતાના શરીર પરની ચામડી વર્ષમાં એકાધિક વાર ઉતારે છે. — તેને ‘કાંચળી ઉતારવી’ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પૃથ્વી પર સરીસૃપ વર્ગનાં ઘણાં પ્રાણીઓ હતાં. ડાયનોસૉર સરીસૃપ વર્ગનાં મહાકાય પ્રાણીઓ હતાં. પૃથ્વી પર ત્યારે સરીસૃપનું જ રાજ હતું. કોઈ કારણસર તેમનો નાશ થયો. હાલમાં ચાર મુખ્ય જાતિઓ કાચબો, ગરોળી, સાપ અને મગર રહ્યાં છે. ઘણાં મનુષ્યોને સરીસૃપ પ્રાણીઓની બીક લાગે છે. ખરું જોતાં તે પ્રાણીઓ મનુષ્યથી ડરતાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ નિરુપદ્રવી હોય છે. જોકે મગર તથા અમુક ઝેરી સાપ મનુષ્ય માટે ભયજનક છે. મનુષ્યો મગર, સાપ અને ગરોળીને તેમની ચામડી માટે મારી નાખે છે, તેમાંથી કમરપટ્ટા, પર્સ, પાકીટ વગેરે બનાવાતાં હોય છે. હવે ઘણાંબધાં પ્રાણીઓ નામશેષ થઈ ગયાં હોવાથી તેમના શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. મગર, કાચબા, સાપ જેવાં સરીસૃપો પાણીમાં રહેવા છતાં જમીન ઉપરનાં પ્રાણીઓ ગણાય છે, કેમ કે તે બધાં ભૂસ્તર પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ પોતાનાં ફેફસાં વડે જ લે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી