રાલ્ફ એલિસન


જ. ૧ માર્ચ, ૧૯૧૪ અ. ૧૬ એપ્રિલ, ૧૯૯૪

અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્વેત સાહિત્યકાર. તેમનો જન્મ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં થયો હતો. ૧૯૨૧માં રાલ્ફ તેમની માતા સાથે ગેરી, ઇન્ડિયાના રાજ્યમાં રહેવા ગયા, પણ ત્યાં માતાને કોઈ કામ ન મળતાં પાછા ઓકલાહોમા આવ્યા જ્યાં રાલ્ફ બસબૉય, બૂટ-પૉલિશ કરવાવાળા, હોટલમાં વેઇટર તથા દાંતના ડૉક્ટરને ત્યાં કામ કરવા લાગ્યા. તેમને સંગીતમાં ઘણો રસ હોવાથી પિતાના મિત્ર પાસેથી પૈસા લઈ ટ્રમ્પેટ અને સેક્સોફોન શીખવા માટે ટસ્કેગી સંસ્થામાં ૧૯૩૩થી ૧૯૩૬ સુધી શિક્ષણ લીધું. પણ ત્યારબાદ સાહિત્યનો શોખ હોવાથી વાચન કરવાથી સાહિત્યસર્જન કરવા પ્રેરાયા. ૧૯૩૬માં ન્યૂયૉર્ક નગરના બીજા અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રોજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (૧૯૫૨) નામની એક નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેમને આ નવલકથા માટે ૧૯૫૩માં નૅશનલ બુક ઍવૉર્ડ પણ મળેલો. તેમના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (૧૯૬૪) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે  અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર ઑફ હ્યુમેનિટીઝ તરીકે ફૅકલ્ટીના કાયમી સભ્ય રહ્યા. તેમની લેખનશૈલી પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેન્ચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ જોવા મળે છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગોઇંગ ટુ ધ ટેરીટરી’ (૧૯૬૬) અને ટૂંકી વાર્તા ‘લાઇંગ હોમ’ (૧૯૯૬) મરણોત્તર પ્રકાશન પામેલી.

રાજશ્રી મહાદેવિયા