એમ. એલ. જયસિમ્હા


જ. ૩ માર્ચ, ૧૯૩૯ અ. ૬ જુલાઈ, ૧૯૯૯

મોટગનહલ્લી લક્ષ્મીનરસુ જયસિમ્હાનો જન્મ સિકન્દરાબાદમાં થયો હતો. તેઓ જમોડી બૅટ્સમૅન હતા અને મીડિયમ પેસથી બૉલિંગ કરતા. ઘણી વખત ભારત વતી તેમણે ઓપનિંગમાં બૉલિંગ કરી હતી. તેઓ એક ચુસ્ત અને ચપળ ફિલ્ડર પણ હતા. તેઓ ખૂબ સ્ટાઇલિશ હતા. તેમનું પાતળું શરીર, નાદાન સુંદર દેખાવ, ટ્રેડમાર્ક જેવું સિલ્ક શર્ટ અને સ્કાર્ફ, ઊંચો કરેલો કૉલર તેમને બધા ક્રિકેટરોથી જુદા પાડતા. ૧૯૫૪-૫૫માં ફક્ત ૧૫ વર્ષની વયે તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રૉફીમાં ભાગ લીધો હતો. તે વખતે તેઓ મહબૂબ કૉલેજ હાઈસ્કૂલમાં ભણતા હતા. રણજી ટ્રૉફી મૅચોમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણ તેમનો ૧૯૫૯માં ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. લૉર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો, પરંતુ પછીની બે મૅચોમાં તેમણે સારો દેખાવ કર્યો. ૧૯૫૯-૬૦માં કૉલકાતામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના બધા જ પાંચ દિવસ બૅટિંગ કરી તેમણે વિક્રમ નોંધાવ્યો હતો. સમય જતાં તેમણે પોતાને ઓપનરની જગ્યામાં સ્થાપિત કર્યા હતા અને ઘણી શતક ફટકારવામાં સફળ રહ્યા હતા. તે પછી ખરાબ પ્રદર્શન માટે તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ચંદુ બોરડે અને ચંદ્રશેખરની ઈજાના કારણે તેમને ૧૯૬૭-૬૮માં ત્રીજી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. અને તેમણે ૭૪ અને ૧૦૧ રન બનાવી લગભગ અશક્ય લાગતી મૅચ ભારતને જિતાડી હતી. ૧૯૭૦-૭૧ની વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ તેમની કારકિર્દીની છેલ્લી સિરીઝ હતી. અજિત વાડેકર જેવા ટીમના કપ્તાન તેમનાં સલાહસૂચન લેતા હતા. મન્સુર અલી ખાન પટૌડી જેવા ખેલાડી પણ તેમની કપ્તાની હેઠળ રમ્યા હતા. ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧માં તેઓ ભારતીય ટીમની પસંદગીકાર સમિતિના સભ્ય હતા. ૧૯૮૫-૮૬માં તેઓ શ્રીલંકા જનારી ભારતીય ટીમ સાથે ગયા હતા. MCCએ તેમને ૧૯૭૮માં આજીવન સભ્ય બનાવ્યા હતા. તેઓએ ટી. વી. કૉમેન્ટેટર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમના બે પુત્રો વિવેક જયસિમ્હા અને વિદ્યુત જયસિમ્હા પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટરો હતા. તેમનું અવસાન ફેફસાંના કૅન્સરથી થયું હતું.

અમલા પરીખ