અજ્ઞેયજી


જ. ૭ માર્ચ, ૧૯૧૧ અ. ૪ એપ્રિલ, ૧૯૮૭

આધુનિક હિન્દી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને પત્રકાર. અજ્ઞેયજીનું પૂરું નામ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન હતું. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના કસિયા ગામે થયો હતો. પિતા પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હતા, તેમને અનેક સ્થળે જવું પડેલું તેથી અજ્ઞેયજીએ જુદા જુદા સ્થળે શિક્ષણ લીધેલું. આથી તેઓ અનેક ભાષા-ભાષીઓના સંપર્કમાં આવ્યા. તેમને જુદા જુદા પ્રદેશના સાહિત્યમાં રસ પડતો. લાહોરમાંથી બી.એસસી. થયા પછી એમ.એ.માં અંગ્રેજીનું અધ્યયન શરૂ કર્યું. પણ એ ગાળામાં સ્વાતંત્ર્યઆંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. ૧૯૩૦માં પકડાયા અને ચાર વર્ષની સજા થઈ. છૂટ્યા પણ ત્યાં જ પાછી બે વર્ષ માટે નજરકેદ થઈ. એ પછી તેમણે આકાશવાણીમાં નોકરી કરી અને અનેક સામયિકો-પત્રોમાં સંપાદક તરીકે કાર્ય કર્યું. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપેલી. તેઓ હિન્દી કવિતા અને નવલકથાક્ષેત્રે યુગપ્રવર્તક મનાય છે. જોકે તેમણે સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં કાર્ય કર્યું છે. લગભગ સાડા ચાર દાયકા સુધી તેમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. એમની કલમમાં આધુનિક ચેતનાનો સ્પર્શ અનુભવાય છે. અલબત્ત પરંપરા અને આધુનિકતા વચ્ચે તેમણે સેતુનું કાર્ય કર્યું છે. પશ્ચિમના અદ્યતન સાહિત્યપ્રવાહોથી તેઓ પરિચિત હતા, પણ તેમણે તેનું અનુકરણ કર્યું નથી. તેમની કવિતામાં ઉલ્લાસસભર તાજગી અને આધુનિક જીવનદર્શન બંનેનો અનુભવ થાય છે. ‘ભગ્નદૂત’ (૧૯૩૩)  એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ત્યારે તેઓ માત્ર બાવીસ વર્ષના હતા. એ પછી એમની પાસેથી પાંચેક સંગ્રહો મળ્યા છે. તેમણે પોતાની સાથે સાત કવિઓની રચનાઓનું સંકલન ૧૯૪૩માં ‘તારસપ્તક’ નામે કરેલું. ‘તારસપ્તક’થી હિન્દીમાં પ્રયોગવાદી કાવ્યધારા શરૂ થઈ. તેમની પાસેથી ચાર વાર્તાસંગ્રહો મળ્યા છે. ‘અજ્ઞેય કી સંપૂર્ણ કહાનિયાઁ’ (ભાગ ૧-૨) ૧૯૭૫માં પ્રગટ થઈ. એમની પ્રથમ નવલકથા ‘શેખર : એક જીવની’ (ભાગ ૧-૨, ૧૯૪૧-૪૪) આત્મકથાત્મક શૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. તેમણે નિબંધ, વિવેચન, પ્રવાસગ્રંથો  ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમણે શરદબાબુની કૃતિ ‘શ્રીકાન્ત’નું તથા જૈનેન્દ્રકુમારની કૃતિ ‘ત્યાગપત્ર’નું અંગ્રેજીમાં અને રવીન્દ્રનાથની કૃતિ ‘ગોરા’નું હિન્દીમાં ભાષાંતર કર્યું છે.

શ્રદ્ધા ત્રિવેદી