લોકોની માગ


નોકરીની શોધમાં ન્યૂયૉર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં. આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયૉર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયૉર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી હશે કે મોંઘી, સલામત હશે કે જોખમી ? નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં થોમસ લિપ્ટને એક નવો વિચાર કર્યો. એ હોટલના માલિક પાસે ગયો અને એમને કહ્યું, ‘હું તમને મહિને પચાસ પ્રવાસીઓ લાવી આપીશ. એના બદલામાં તમારે મને ભોજન અને નિવાસની સગવડ આપવાની.’ આ છોકરાની વાત પર પહેલાં તો મૅનેજરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી કહ્યું કે, ‘પચાસ તો ઠીક છે, પણ ચાલીસ પ્રવાસીઓ લાવીશ તોય તને એક મહિના સુધી ભોજન અને નિવાસની સગવડ આપીશ.’ પેલો છોકરો સામાન મૂકીને તરત ન્યૂયૉર્કના બંદર તરફ રવાના થયો. એ બંદર પર એક જહાજ આવ્યું હતું. એમાંથી ઊતરતા પ્રવાસીઓ પાસે જઈને આ છોકરાએ પોતાની હોટલમાં કેવી કેવી સગવડો છે એની વાત કરી. એનું ભાડું કેટલું ઓછું છે તે સમજાવ્યું અને એમાં મળતી વિશેષ સગવડોનું વર્ણન કર્યું. આમ પહેલા દિવસે જ આ છોકરો એકસાથે ચાલીસ કરતાંય વધુ પ્રવાસીઓને લઈને પોતાની હોટલ પર આવ્યો. એની આ કામયાબીથી મૅનેજર ખુશ થઈ ગયો અને હોટલમાં નોકરીએ રાખી લીધો. ધીરે ધીરે આ છોકરાએ પોતીકો ધંધો વિકસાવ્યો અને પોતાની અટકની બ્રાન્ડ સાથે ચાની કંપની શરૂ કરીને ‘લિપ્ટન ચા’ને દુનિયાભરમાં જાણીતી કરી.