Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જ. ૧૪ માર્ચ, ૧૮૭૯ અ. ૧૮ એપ્રિલ, ૧૯૫૫

નોબેલ પારિતોષિકવિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ તેમજ સાપેક્ષવાદ (theory of relativity) સિદ્ધાંતના સ્થાપક તરીકે જાણીતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલતાં મોડું શીખેલા. માતાની પ્રેરણાથી સંગીત શીખીને વાયોલિનવાદક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરેલી પણ કેવળ નિજાનંદ માટે જ તેઓ વાયોલિન વગાડતા હતા. કાકા જેકોબની પ્રેરણાથી ગણિતમાં અને કાકા કેઝર કૉકે દ્વારા વિજ્ઞાનમાં તેમને ઊંડી જિજ્ઞાસા જાગી હતી. પરિણામે બાર વર્ષના આલ્બર્ટમાં વિશાળ વિશ્વનાં વિવિધ રહસ્યોનો ઉકેલ શોધવાના મનોરથ જાગ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ઝૂરિકની ફેડરલ પોલિટૅકનિક એકૅડેમીમાંથી ૧૯૦૦ની સાલમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. થોડો સમય શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ સ્વિટ્ઝર્લૅન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે તેમને નોકરી મળી હતી. જ્યાં તેમને વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની હતી. જેનાથી વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તથ્યો તારવવાની તેમની શક્તિ કેળવાઈ હતી. ૧૯૦૫માં ઝૂરિકના સુપ્રસિદ્ધ સામયિક ‘અનાલેં દર ફિઝિક’માં આઇન્સ્ટાઇનના પાંચ સંશોધનલેખ પ્રગટ થયા હતા. જેના પ્રથમ લેખ દ્વારા તેમને ઝૂરિક યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ હતી. E=MC2 સમીકરણના સંશોધન દ્વારા તેમને યુરોપના અગ્રણી વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમણે પ્રાથમિક અવલોકનોની મદદ લીધા વિના શુદ્ધ અને મૌલિક ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા ચકાસવાની નવી પ્રણાલી સ્થાપી હતી. ૧૯૨૧માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તેણે શોધેલ ‘ફોટોવિદ્યુત નિયમ અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે કરેલા પ્રદાન’ને માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અમેરિકા દ્વારા હિરોશીમા પર પરમાણુ બૉમ્બ ઝીંકાયો તેનું તેમને અપાર દુઃખ હતું. તેથી જિંદગીનાં છેલ્લાં વર્ષો તેમણે વિજ્ઞાનને સ્વાર્થી સત્તાધારી વર્તુળોના હાથમાં જતું ઉગારવામાં ગાળ્યાં હતાં.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જિસસને પ્રવેશબંધી

વિશ્વમાં સૌથી મોટો ભેદભાવ એ શ્વેત (ગોરા) અને અશ્વેત (કાળા) લોકો વચ્ચે જોવા મળે છે. એક સમયે અશ્વેત લોકોને શ્વેત લોકોએ ગુલામ બનાવ્યા. એમના પર માલિકીહક ભોગવ્યો. એમની પાસે કાળી મજૂરી કરાવી. આ અશ્વેત લોકોને માટે રહેવાના જુદા વિસ્તારો હતા. ટ્રેનમાં જુદા ડબ્બાઓ હતા અને હોટલ, ગાર્ડન કે અમુક ચર્ચમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એક શ્રદ્ધાળુ અશ્વેત એક વાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે ચર્ચના પાદરીએ તેને અટકાવ્યો. એણે કહ્યું, ‘આ ચર્ચમાં આવીને તમને પ્રાર્થના કરવાનું મન થાય તે હું સમજી શકું છું, પરંતુ પ્રાર્થના કરવી તમને માફક નહીં આવે. અહીં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ છે.’ પેલી અશ્વેત વ્યક્તિ ચર્ચના બારણે ઊભી રહી ગઈ. પાદરીનાં વચનો સાંભળીને ખૂબ નિરાશ થઈ. પાદરીએ એને કહ્યું, ‘તમારી ચામડીના કાળા રંગને કારણે તમે અહીં પ્રાર્થના કરવા માટે પ્રતિબંધિત છો, એને માટે બીજે ક્યાંક જાઓ.’ ‘ચર્ચ સિવાય બીજે ક્યાં જાઉં ?’ પાદરીએ કહ્યું, ‘તમે ઈશુને પ્રાર્થના કરો કે એ તમને કોઈ રસ્તો સુઝાડે.’ થોડાક સમય બાદ પેલા ગર્વિષ્ટ અને રંગદ્વેષી પાદરીને આ અશ્વેત સજ્જન બજારમાં મળી ગયા. પાદરીએ એની ખબર પૂછી. કયા ચર્ચમાં જઈને પ્રાર્થના કરી તેની માહિતી મેળવી, ત્યારે પેલી અશ્વેત વ્યક્તિએ કહ્યું, ‘તમે મને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તમારા સૂચન પ્રમાણે મેં જિસસને પ્રાર્થના કરી. એ પછી પેલી પ્રવેશબંધી અંગે એમને વાત કરી. ત્યારે જિસસે મને કહ્યું, ‘અરે ભાઈ, તું મહેરબાની કરીને એ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન ન કરીશ. તું નિષ્ફળ જ જવાનો. હું પોતે વર્ષોથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી મને કોઈ સફળતા મળી નથી.’

કુમારપાળ દેસાઈ